calendar_todayOctober 18, 2026
Godhra: દશેરા પર્વે 40 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું થશે દહન
નવરાત્રી મહોત્સવના સમાપન સાથે અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન વિજયાદશમી એટલે કે દશેરા પર્વની ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં મંગળવારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દશેરા પર્વને લઈને ગોધરા નગરપાલિકા દ્વારા શહેરના લાલબાગ ટેકરી મેદાન ખાતે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં વિશાળ પૂતળાંના દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે.આ કાર્યક્રમ માટે નગરપાલિકા દ્વારા રાજસ્થાનના ડુંગરપુર સ્થિત બાબા રામદેવ ફાયર વર્ક્સના કારીગરોને બોલાવવામાં આવ્યા છે. કારીગરો દ્વારા રાવણનું 40 ફૂટ, મેઘનાદનું 30 ફૂટ અને કુંભકર્ણનું 25 ફૂટ ઊંચું પૂતળું તૈયાર કરવામાં આવી રહ્યું છે. ત્રણેય પૂતળાંના નિર્માણ માટે અંદાજે રૂ. 2.25 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.મંગળવારે સાંજે લાલબાગ ટેકરી મેદાન ખાતે યોજાનારા કાર્યક્રમમાં સૌપ્રથમ શસ્ત્ર્રપૂજા કરવામાં આવશે. ત્યારબાદ આતશબાજી સાથે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું દહન કરવામાં આવશે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, જિલ્લાના અધિકારીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. ખાસ કરીને બાળકોમાં રાવણ દહનને લઈને ભારે ઉત્સાહ જોવા મળશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો