android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Godhra: ગોધરા કંટ્રોલ રૂમ ખાતેથી વિવિધ સ્ટ્રોંગરૂમમાં EVM રવાના કરાયા

calendar_todayApril 10, 2026

Godhra: ગોધરા કંટ્રોલ રૂમ ખાતેથી વિવિધ સ્ટ્રોંગરૂમમાં EVM રવાના કરાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુરૂવારે જિલ્લા કન્ટ્રોલ રૂમથી વિવિધ સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ મશીન રવાના કરાયા હતાં. જેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વીડિયોગ્રાફી સાથે ઇવીએમ લઈ જનારા વાહનોને સ્ટેમ્પ સીલ કરાયા હતા. તાલુકા કક્ષાએ ઉભા કરાયેલા સ્ટ્રોંગરૂમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઇવીએમ મશીન રાખવામાં આવશે એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં બે નગર પાલિકા સહિત 178 તાલુકા પંચાયત અને 38 જિલ્લા પંચાયતની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં બે નગર પાલિકાના 152 મતદાન મથકો માટે 352 અને જિલ્લા-તાલુકા પંચાયતના 1265 મતદાન મથકો માટે 2847 ઇવીએમ મશીનની કન્ટ્રોલ રૂમથી ફાળવણી કરાઈ છે. આ તમામ ઇવીએમ મશીનને તાલુકા કક્ષાએ ઉભા કરાયેલા વિવિધ સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલાયા છે. આગામી મતદાનના દિવસે આ તમામ ઇવીએમ મશીન જોગવાઈ મુજબ પોલીસ બંદોબસ્ત હેઠળ તમામ મતદાન મથક ખાતે મોકલાશે. આમ રાજકીય પક્ષોએ ઉમેદવારની પસંદગી સહિત જરૂરી ગતિવિધિઓ તેજ બનાવી છે, બીજી તરફ ઇચ્છુક દાવેદારો રાજકીય પક્ષના મેન્ડેટની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જોકે કેટલાક ઇચ્છુક દાવેદારો રાજકીય પક્ષો ટિકિટની ફાળવણી નહિં કરે તો પણ ચૂંટણીજંગમાં ઝંપલાવવાના મૂડમાં જોવાઇ રહયા છે. જેથી હાલ ચોતરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓની ગતિવિધિઓ તેજ બની છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો