android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujaratમાં વર્ષ 2004થી ખેતી વિષયક વીજળી પર વીજ કર સંપૂર્ણ નાબૂદ: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

calendar_todayFebruary 19, 2026

Gujaratમાં વર્ષ 2004થી ખેતી વિષયક વીજળી પર વીજ કર સંપૂર્ણ નાબૂદ: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત વિધાનસભામાં વીજ કરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા નાણા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો વીજ વપરાશ તેમજ તે માટેની લાઈટીંગમાં થતા વીજ વપરાશ પર કોઈ પણ પ્રકારનો વીજ કર લેવામાં આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા 1 જુલાઈ, 2004થી ખેતી વિષયક વીજળી પરનો વીજ કર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે.

વીજ વપરાશને આપવામાં આવી વીજ કરમાંથી મુક્તિ

નાણા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના રહેણાંક કક્ષાના વીજ ગ્રાહકો પાસેથી વાર્ષિક 250 યુનિટના વપરાશ સુધી કોઈ વીજ કર લેવામાં આવતો નથી. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા સૂર્ય અને પવન ઊર્જા પર પણ કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી. આ ઉપરાંત ‘નો પ્રોફિટ’ના ધોરણે ચાલતી હોસ્પિટલો, દવાખાનાઓ, સરકારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને જાહેર સેવાઓ જેવી કે સ્ટ્રીટ લાઈટ, પબ્લિક વોટર વર્ક્સ અને ગાર્ડન માટે થતા વીજ વપરાશને પણ વીજ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે રાહતો અંગે માહિતી

ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે રાહતો અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, SEZમાં સ્થપાનાર નવા ઔદ્યોગિક એકમોને પ્રથમ 10 વર્ષ માટે વીજ કરમાં સંપૂર્ણ રાહત આપવામાં આવે છે. નવા સ્થપાતા ઉદ્યોગોને પ્રથમ 5 વર્ષ અને ટુરિઝમ પોલીસી અંતર્ગત મંજુર થયેલા એકમોને પણ પ્રથમ પાંચ વર્ષ માટે વીજ કરમાં સંપૂર્ણ રાહત મળે છે.

ખેડૂતો અને પ્રજાજનોના હિતમાં મહત્વના નિર્ણયો

નાણા મંત્રી દેસાઈએ અંતમાં જણાવ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ ખેડૂતો અને પ્રજાજનોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. રહેણાંક વિસ્તારમાં વર્ષ 1983થી અમલી વીજકરમાં ઉત્તરોત્તર ઘટાડો કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે વર્ષ 2012થી ગ્રામીણ રહેણાંક વિસ્તારોમાં 7.5 ટકા અને શહેરી વિસ્તારોમાં 15 ટકા વીજ કર અમલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો