android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujaratમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી, 8થી વધુ જિલ્લાઓમાં જામ્યો વરસાદી માહોલ

calendar_todaySeptember 12, 2026

Gujaratમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી, 8થી વધુ જિલ્લાઓમાં જામ્યો વરસાદી માહોલ

ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ મહેરબાન થઈને રાજ્યના અનેક વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા લોકો અને સુકાઈ રહેલા પાકને લઈને ચિંતિત ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ 

અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ અને માલપુરમાં એક મહિનાના વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. મહિસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, ખાનપુર અને કડાણામાં પણ મુસળધાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે હાઇવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને પાર્કિંગ લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી. દાહોદ શહેર સહિત ઝાલોદ, લીમખેડા, લીમડી અને દેવગઢ બારીઆમાં કાળાડિબંગ વાદળો અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટાં પડ્યા હતા.

Rainy weather prevails in Gujarat

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર 

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં આહવા, વઘઈ, સાપુતારા અને સુબીર (સૌથી વધુ 44મિમી) ખાતે વરસાદી માહોલ જામ્યો હતો. વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વેહલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ (ઉના, ગીર ગઢડા અને શાણા વાકીયા) તથા અમરેલીના જાફરાબાદ (ટીંબી, હેમાળ, છેલણા) પંથકમાં પણ મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું હતું. શાણા વાકીયા ગામમાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

ધરતીપુત્રોમાં ખુશીની લહેર 

એક માસ કરતા વધુ સમયના લાંબા વિરામ બાદ થયેલા આ વરસાદથી મગફળી, સોયાબીન, મકાઈ, ડાંગર, તુવર અને અડદ જેવા સુકાઈ રહેલા ખરીફ પાકોને નવજીવન મળ્યું છે. વરસાદ પડતાં જ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીમાંથી મોટી રાહત મળતા ખેડૂતો સહિત તમામ નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Rainy weather prevails in Gujarat

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો