calendar_todaySeptember 10, 2026
Gujarat Assembly: પશુ આહાર બીલ સર્વાનુમતે પસાર, અધ્યક્ષ શંકર ચૌધરીએ રચ્યો ઇતિહાસ
ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલું ‘ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક’ સર્વાનુમતે પસાર થઈ ગયું છે. રાજ્યમાં પશુ આહારની ગુણવત્તા જાળવવા અને વેચાણ પર કાયદેસરનું નિયંત્રણ લાવવા માટેના આ બીલને વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેનું પૂર્ણ સમર્થન મળ્યું હતું.
ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ ઘટના
આ બીલની ચર્ચા દરમિયાન ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની જ્યાં પોતે પીઠાસીન અધ્યક્ષ શંકર ચૌધરીએ ચર્ચામાં સક્રિય ભાગ લીધો હતો. પોતે પશુપાલન ક્ષેત્ર સાથે સીધા જોડાયેલા હોવાના કારણે તેમણે આ વિધેયક પર પોતાની વાત મૂકી હતી અને આવું ઉત્કૃષ્ટ બીલ લાવવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
લાઇટ મારતા જ ખબર પડશે ભેળસેળ
ગૃહમાં વક્તવ્ય આપતા અધ્યક્ષ શંકર ચૌધરીએ દાવો કર્યો હતો કે, રાજ્યના યુવાનો દ્વારા એક વિશેષ મશીનનું સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું છે. આ મશીનની મદદથી દૂધ, તેલ કે અન્ય ખાદ્ય ચીજોમાં કયા પ્રકારની ભેળસેળ કે વિટામિન છે તે માત્ર મશીનની લાઇટ મારતા જ તાત્કાલિક જાણી શકાશે. અત્યાર સુધી આવા કામ માટે વિદેશી કંપનીઓના કરોડો રૂપિયાના મશીનો આવતા હતા, પરંતુ સ્થાનિક યુવાનોએ બનાવેલા આ મશીનની કિંમત માત્ર રૂ. 40,000 ની આસપાસ હશે.
ભવિષ્યમાં ખાદ્ય સુરક્ષા વધશે
આ નવા કાયદા અને ટેકનોલોજીના ઉપયોગથી આગામી દિવસોમાં ગુજરાતમાં દૂધ, તેલ કે અન્ય ખોરાકમાં રહેલા ઘટકો અને ગુણવત્તાની તપાસ અત્યંત સરળ બની જશે. તેનાથી પશુપાલકો અને સામાન્ય નાગરિકો બંનેને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રીમાંથી મોટી રાહત મળશે.
આ પણ વાંચો: Gujarat Assembly: પશુ આહારમાં ભેળસેળ કરનારા સામે થશે કડક કાર્યવાહી, 7 વર્ષ સુધીની જેલની જોગવાઈ