calendar_todaySeptember 10, 2026
Gujarat Assembly session Live: વંદે માતરમ ગીતના અપમાનનો મુદ્દો ગૃહમાં ગાજ્યો, DyCM હર્ષ સંઘવીએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો
આજે ગુજરાત વિધાનસભાના સત્રનો બીજો દિવસ છે. આજે પ્રશ્નોત્તરી કાળ સાથે ગૃહની કામગીરી શરુ થઈ છે. આજના દિવસ દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને કાયદાકીય વિધેયકો પર વિસ્તૃત ચર્ચાઓ તેમજ રજૂઆતો કરવામાં આવશે.ગૃહની શરૂઆત સાથે જ વિવિધ સરકારી વિભાગોની કામગીરી અને પ્રશ્નોના નિવારણ માટેનો તબક્કો શરૂ થશે. આ ઉપરાંત ગઈ કાલે ગૃહમાં થયેલા વંદેમાતરમ ગીતના વિવાદ બાદ આજે કોંગ્રેસના ધારાસભ્ય ગેરહાજર રહ્યાં છે. CCTV લગાવવા મુદ્દે ગોપાલ ઈટાલિયા અને હર્ષ સંઘવી પ્રશ્નોત્તરી કાળમાં આમને સામને આવી ગયા હતાં.
ઇમરાન ખેડાવાલા સામે કડક પગલાં લેવાની માગ
વિધાનસભા ગૃહની બહાર જઈને ઇન્ટરવ્યુમાં આયોજનપૂર્વક સમગ્ર ઘટનાના પ્રયાસ કરવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સામે કડક પગલાં લેવાની માંગ ઉઠાવવામાં આવી છે.આ મામલે ઇમરાન ખેડાવાલાનું વિડિયો રેકોર્ડિંગ ચકાસવાની સાથે ગૃહના પ્રવર્તમાન નિયમો અને વિશેષાધિકાર ભંગ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની જોરદાર માંગ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ પક્ષ કે સભ્ય આવું કૃત્ય કરવાની હિંમત ન કરે અને એક મજબૂત દાખલો બેસાડી શકાય.ઇમરાન ખેડાવાલા વિરુદ્ધ પ્રિવિલેજ કમિટી અથવા એથિક્સ કમિટીને તપાસ સોંપવા હર્ષ સંઘવીએ વિધાનસભા અધ્યક્ષ સામે માગ કરી હતી.
ગુજરાત વિધાનસભામાં આખું વંદે માતરમ ગીત ગવાય છે
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે સત્રના આગળના દિવસે ખાસ બેઠક બોલાવીને આ પ્રકારના વિરોધ કરવા માટેના કાર્યો કરાવવામાં આવ્યા છે, જે અગાઉ ક્યારેય ગુજરાતની વિધાનસભામાં જોવા મળ્યા નથી.આખું વંદે માતરમ્ ગાવાની પરંપરાની શરૂઆત કરનાર દેશની પ્રથમ વિધાનસભા ગુજરાત છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ પ્રકારની રાજનીતિ કરીને યુવા વર્ગ સમક્ષ કેવી ખોટી પ્રેરણા પૂરી પાડવા માંગે છે તે એક મોટો સવાલ છે.
વિધાનસભામાં વંદે માતરમનો મુદ્દો ગાજ્યો, હર્ષ સંઘવીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો
વિધાનસભા ગૃહમાં 'વંદે માતરમ્'ના અપમાનના મુદ્દે આક્રમક વલણ અપનાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોઇન્ટ ઓફ ઓર્ડર હેઠળ ગંભીર આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસના સભ્ય ઇમરાન ખેડાવાલા જાણી જોઈને ઊભા થવાના બદલે બેસી રહ્યા હતા અને તેમણે સીધેસીધો 'વંદે માતરમ્'નો વિરોધ કરવાનું કૃત્ય કર્યું છે. આ ઘટના લોકશાહીની સર્વોચ્ચ સંસ્થામાં બની હોવાથી તે કોઈ એક વ્યક્તિગત સભ્યના વર્તનનો સીમિત પ્રશ્ન નથી, પરંતુ ઇમરાનભાઇ આ સમગ્ર ઘટનામાં માત્ર એક ખાલી મહોરું હતા કારણ કે થોડા દિવસ પહેલા જ આપણે દિલ્હીમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોયા છે જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને સોનિયા ગાંધીને પણ આપણે જોયા છે અને સ્ટાફને ખખડાવવામાં આવે છે.
અધિકારીઓને વિધાનસભા અધ્યક્ષની ફરી એક વખત ટકોર
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થતાની સાથે જ ગેલેરીમાંથી અધિકારીઓ દ્વારા ચાલતી પકડવા અને બહાર નીકળી જવાના અણછાજતા વર્તનને લઈને વિધાનસભા અધ્યક્ષે ફરી એક વખત કડક ટકોર કરી હતી.મુખ્યમંત્રી જ્યારે જાહેર અગત્યની બાબત પર મહત્વનું નિવેદન આપી રહ્યા હતા, તે જ સમયે કેટલાક અધિકારીઓ ગેલેરીમાંથી બહાર જવા માટે નીકળ્યા હતા, જેને ગંભીરતાથી લઈને અધ્યક્ષે તરત જ તેમને પાછા બોલાવીને પોતાની બેઠક પર બેસાડ્યા હતા. અધ્યક્ષે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે અધિકારીઓ ગેલેરીમાંથી પોતાનું સ્થાન છોડશે નહીં અને જે અધિકારીઓ બહાર જતા રહ્યા છે તેમને પણ તુરંત પાછા બોલાવવામાં આવે.વિધાનસભાના લગભગ દરેક સત્રમાં અધિકારીઓ દ્વારા આ પ્રકારે ગૃહની મર્યાદા અને કાર્યવાહી દરમિયાન બહાર જવાની બાબત સામે આવતી હોય છે, જેને લઈને અગાઉ પણ અધ્યક્ષ દ્વારા નારાજગી વ્યક્ત કરીને ટકોર કરવામાં આવી ચૂકી છે.
231 કરોડની ગ્રાન્ટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને ફાળવાઈ
વિધાનસભા ગૃહમાં નિવેદન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસને હંમેશાં ઉચ્ચ સ્થાન આપ્યું છે અને સોમનાથ સાંસ્કૃતિક ઉત્સવની ઉજવણીની સાથે હવે સંત શિરોમણી રવિદાસજીની 650મી જન્મજયંતી વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.સંત રવિદાસજી દરેક યુવકને સમાન તક મળે અને દરેક ગરીબને સરકારી યોજનાઓનો લાભ મળે તેવી વિચારધારા ધરાવતા હતા અને મન ચંગા તો કથરોટ મેં ગંગા જેવું અમૂલ્ય ઉદાહરણ આજે પણ સમગ્ર સમાજને પ્રેરણા પૂરી પાડે છે.આ પ્રસંગે સામાજિક સમરસતાના સંકલ્પને મજબૂત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 231 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ફાળવવામાં આવી છે.જેમાં વિશેષ રૂપે સમરસતા સંકલ્પ માટે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ, જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સંત રવિદાસ સેન્ટરની સ્થાપના, સંત રવિદાસજીના જીવન અને વિચારો પર આધારિત વિશેષ પુસ્તક અને વિડિયોનું લોકાર્પણ તેમજ જૂનાગઢના સરસાઇ આશ્રમ માટે 10 કરોડ રૂપિયાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
કોંગ્રેસના ધારાસભ્યએ એનાલોગ પનીરનો મુદ્દો ઉઠાવ્યો
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્ય અમૃતજી ઠાકોર દ્વારા એનાલૉગ પનીરનો મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેના જવાબમાં મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટતા કરી હતી કે પામોલિન ઓઈલ અને મિલ્ક પાવડરથી બનતા આ કથિત પનીર વાસ્તવમાં પનીર હોતું જ નથી, જેને ધ્યાનમાં રાખીને એનાલૉગ પનીર, ચીઝ અને બટરના પ્રોડક્શન, વેચાણ તથા સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.મંત્રીએ ગૃહમાં વધુમાં જણાવ્યું હતું કે આ પ્રતિબંધના કારણે સહકારી ડેરીઓના ઓરિજિનલ પનીરના વેચાણમાં વધારો થયો છે, પરંતુ બજારમાં હજુ પણ મિસ બ્રાન્ડ, સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ સેમ્પલો સામે આવી રહ્યા છે, જેનું ઉદાહરણ આપતા તેમણે માહિતી આપી હતી કે માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ છેલ્લા એક વર્ષમાં ૪૮ જેટલા સેમ્પલ અનસેફ જાહેર થયા છે.
ગોપાલ ઈટાલિયા અને હર્ષ સંઘવી આમને સામને
સીસીટીવી કેમેરા લગાવવાના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે આમનેસામને ચર્ચા થઈ છે.આ ચર્ચા દરમિયાન ગોપાલ ઇટાલિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે બુટલેગરોની હિલચાલ પર નજર રાખવા માટે કુલ કેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે?આ સવાલના જવાબમાં સરકારી પક્ષ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિના ઘર ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની બંધારણ પરવાનગી આપતું નથી. સાથે જ વળતો પ્રહાર કરતા એવું પણ પૂછવામાં આવ્યું હતું કે જો પંજાબમાં આપની સરકારે આવું કોઈ પગલું ભર્યું હોય તો તેની જાણકારી આપો. આમ, સુરક્ષા અને સીસીટીવી લગાવવાના આ પ્રશ્નને લઈને બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.
ઈમરાન ખેડાવાલા વિધાનસભામાં ગેરહાજર
વિધાનસભા ગૃહના પ્રથમ દિવસે 'વંદે માતરમ' ગાન સમયે પોતાની જગ્યા પર ઊભા ન રહેવાને લઈને પેદા થયેલા મોટા વિવાદ અને ભાજપના મંત્રીઓ સાથે જાહેર માધ્યમોમાં થયેલી ચર્ચા બાદ આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ગૃહમાં ગેરહાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ India News: પેકેજ્ડ ફૂડ પર ચેતવણી આપવામાં વિલંબ થતાં સુપ્રીમ કોર્ટ નારાજ, FSSAIની ઝાટકણી કાઢી