calendar_todayApril 28, 2026
Gujarat local body election result 2026: ભાજપની રાજ્યની તમામ 15 મહાનગરપાલિકામાં જીત, અમદાવાદ-સુરતમાં કોંગ્રેસના સૂપડા સાફ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અકલ્પનીય પ્રદર્શન કરતા રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓ પર પોતાનો કબ્જો જમાવ્યો છે. જૂની 6 મહાનગરપાલિકાઓની સાથે નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકાઓમાં પણ ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા છે. આ જીતને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં અનોખો ઉત્સવ જોવા મળી રહ્યો છે.
મેટ્રો સિટીઝમાં ભાજપની આંધી
રાજ્યના મુખ્ય શહેરોમાં ભાજપે વિપક્ષને સત્તાની રેસમાંથી બહાર ફેંકી દીધા છે.
- અમદાવાદ: કુલ 192 બેઠકોમાંથી ભાજપે 160 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 32 બેઠકો પર સમેટાઈ ગઈ છે.
- સુરત: સુરતમાં તો ભાજપે ઇતિહાસ રચતા 120 માંથી 115 બેઠકો જીતી લીધી છે. કોંગ્રેસને અહીં માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.
- વડોદરા: વડોદરામાં ભાજપે 69 બેઠકો જીતીને વિપક્ષનો ગઢ તોડી પાડ્યો છે. જ્યારે કોંગ્રેસને માત્ર 6 બેઠક જ મળી છે.
- રાજકોટ: રાજકોટમાં ભાજપ 65 અને કોંગ્રેસ 7 બેઠક પર વિજયી મેળવ્યો છે. ભારતીય જનતા પાર્ટી માટે આ જીત ઐતિહાસિક છે.
નાના શહેરોમાં ક્લીન સ્વીપ
- પોરબંદર: ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં ભાજપે તમામ 52 બેઠકો પર ક્લીન સ્વીપ કરીને રેકોર્ડ સર્જ્યો છે. પોરબંદર મનપામાં વિપક્ષનું ખાતું પણ ખુલ્યું નથી.
- સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મનપામાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. કુલ 52 બેઠકોમાંથી 51 પર ભાજપ અને કોંગ્રેસના ફાળે માત્ર 1 બેઠક આવી છે.
નવી મનપામાં પણ કેસરીયો
રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલી નવી 9 મહાનગરપાલિકાઓમાં પણ મતદારોએ વિકાસની રાજનીતિ પર મહોર મારી છે અને તમામ જગ્યાએ ભાજપની પૂર્ણ બહુમતીથી વિજય મેળવ્યો છે.
આ પણ વાંચો - Gujarat local body election result 2026: ભાજપની ઉજવણીના વિવિધ રંગ, જુઓ Photos