android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Local Body Election Results 2026: ભેસાણમાં અનોખો રાજકીય ખેલ: 'આપ' પાસે 13 સભ્યો છતાં પ્રમુખ ભાજપનો બનશે

calendar_todayApril 29, 2026

Gujarat Local Body Election Results 2026: ભેસાણમાં અનોખો રાજકીય ખેલ: 'આપ' પાસે 13 સભ્યો છતાં પ્રમુખ ભાજપનો બનશે

રાજકારણમાં ક્યારેક આંકડાઓ કરતાં કાયદાકીય સમીકરણો વધુ શક્તિશાળી સાબિત થાય છે. જૂનાગઢના ભેસાણ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોએ કંઈક આવી જ સ્થિતિ સર્જી છે. અહીં આમ આદમી પાર્ટી (AAP) પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં, અનામતના પેચને કારણે સત્તાનું સુકાન ભારતીય જનતા પાર્ટી (BJP) ના હાથમાં જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

પરિણામોમાં 'આપ'નો દબદબો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભેસાણ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં આમ આદમી પાર્ટીએ શાનદાર દેખાવ કરતા 13 બેઠકો પર કબજો જમાવ્યો હતો, જ્યારે ભાજપના ફાળે માત્ર 3 બેઠકો આવી હતી. વિસાવદર વિધાનસભા વિસ્તારમાં આવતા આ તાલુકામાં જિલ્લા પંચાયતની બંને બેઠકો પણ 'આપ' એ જીતીને પોતાનો ગઢ સાબિત કર્યો હતો.

સત્તા મેળવવામાં 'અનામત' બની વિઘ્ન

ભારે બહુમતી હોવા છતાં 'આપ' માટે પ્રમુખ પદ મેળવવું અશક્ય બની ગયું છે. આ પાછળનું કારણ પ્રમુખ પદ માટેની SC (અનુસૂચિત જાતિ) અનામત બેઠક છે. નિયમ મુજબ, આ વર્ષે ભેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માત્ર SC વર્ગનો સભ્ય જ બિરાજી શકે છે. 'આપ' ના વિજેતા 13 સભ્યોમાંથી કોઈ પણ SC વર્ગનો નથી. બીજી તરફ, ભાજપના જીતેલા 3 સભ્યોમાં એક સભ્ય SC અનામત બેઠક પરથી ચૂંટાયેલા છે. પરિણામે, ભાજપ લઘુમતીમાં હોવા છતાં ટેકનિકલી તેમનો ઉમેદવાર જ પ્રમુખ પદ માટે લાયક ઠરે છે.

વિકાસ માટે 'આપ' નો સહકાર

આ પરિસ્થિતિને કારણે આમ આદમી પાર્ટીના વિજેતા સભ્યોમાં થોડું દુઃખ જોવા મળ્યું હતું, પરંતુ લોકશાહીના મૂલ્યોને માન આપીને તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે. 'આપ' ના સભ્યોએ જણાવ્યું કે, ભલે તેમનો પ્રમુખ ન બની શકે, પરંતુ ભેસાણ તાલુકાના વિકાસ માટે તેઓ ભાજપના પ્રમુખને પૂરતો સહકાર આપશે. હવે જોવાનું એ રહેશે કે 13 વિપક્ષી સભ્યો અને લઘુમતી પ્રમુખ વચ્ચે વહીવટી સમન્વય કેવી રીતે સધાય છે.


આ પણ વાંચો----    Ahmedabadની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી, વટવામાં 35 વર્ષ પહેલા યુવતીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી હોવાની આશંકા