android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Local Body Election Results 2026: અમદાવાદમાં ગઢ આલા પણ સિંહ ગેલા, ખાડિયામાં ભાજપના પતનના 5 મુખ્ય કારણો અને અંદરની વાત

calendar_todayApril 29, 2026

Gujarat Local Body Election Results 2026: અમદાવાદમાં ગઢ આલા પણ સિંહ ગેલા, ખાડિયામાં ભાજપના પતનના 5 મુખ્ય કારણો અને અંદરની વાત

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભલે બહુમતી મેળવી હોય, પરંતુ 'સિંહ આલા પણ ગઢ ગેલા' જેવો ઘાટ સર્જાયો છે. જનસંઘના સમયથી એટલે કે વર્ષ 1972થી જે બેઠક ભાજપનો અજેય ગઢ ગણાતી હતી, તે ખાડિયા વોર્ડમાં ભાજપનો શરમજનક પરાજય થયો છે. સ્વ. અશોક ભટ્ટના સમયથી કેસરીયો લહેરાવતી આ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે.

હારના મુખ્ય કારણો અને ડેમોગ્રાફી

ખાડિયાની હાર પાછળ બદલાયેલી ડેમોગ્રાફી અને આંતરિક જૂથવાદ મુખ્ય કારણ માનવામાં આવે છે. SIR ની કામગીરી બાદ આ વિસ્તારમાંથી 21 હજાર જેટલા મતદારોના નામ કમી થયા હતા. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં માત્ર 54% મતદાન થયું, જેની સામે લઘુમતી વિસ્તારોમાં 70% જેટલું તોતિંગ મતદાન થતા બાજી પલટાઈ ગઈ હતી.

ભૂષણ ભટ્ટનો આકરો મિજાજ

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે આ હાર બાદ વિસ્ફોટક નિવેદન આપતા જણાવ્યું કે, "ઉમેદવાર નક્કી કરતી વખતે પાર્ટીએ મને પૂછ્યું નહોતું અને ચૂંટણી સમયે મને બદનામ કરવાના પ્રયાસો થયા." તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસે જે રીતે રણનીતિ ઘડી તેનાથી લઘુમતી મતોનું ધ્રુવીકરણ થયું છે.

કોંગ્રેસની રણનીતિ કારગત નીવડી

એકતરફ ભાજપમાં આંતરિક ખેંચતાણ હતી, ત્યારે બીજી તરફ કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ જૂના મતભેદો ભૂલીને ખાડિયામાં એડીચોટીનું જોર લગાવ્યું હતું. હેરિટેજ ઇમારતોનું નુકસાન, વધતા ગોડાઉન અને રહેણાંક વિસ્તારમાં ઘટાડા જેવા સ્થાનિક પ્રશ્નોને કોંગ્રેસે મજબૂત રીતે ઉઠાવ્યા હતા. જ્યારે ભાજપ તરફથી થયેલા પાકિસ્તાન અને દાઉદ જેવા નિવેદનો લઘુમતી મતદારોને એક કરવા માટે નિમિત્ત બન્યા હતા. પીએમ મોદી અને અમિત શાહની સીધી નજર જે વોર્ડ પર હોય છે ત્યાં મળેલી આ હાર બાદ હવે ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે.


આ પણ વાંચો----     Gujarat Local Body Election Results 2026: ગુજરાતી જનતાનો જોરદાર કરંટ, 'પાર્ટી' ગઈ તેલ લેવા, આ હાઈપ્રોફાઈલ ઉમેદવારોને ઘેર રવાના કર્યા