calendar_todayOctober 8, 2026
Gujarat News: અરવલ્લી ગિરિમાળાઓના વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટની કમિટિ સાબરકાંઠા આવશે
કુદરતી સંપદાથી સમૃદ્ધ અરવલ્લીની ગિરિમાળાઓમાં ચાલતા બેફામ ખનન અને તેને બચાવવાના વિવાદ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે.સુપ્રીમ કોર્ટ દ્વારા ગિરિમાળાઓના સંરક્ષણ માટે રચવામાં આવેલી ખાસ કમિટી આજથી બે દિવસના પ્રવાસે સાબરકાંઠા જિલ્લામાં આવી પહોંચશે.કમિટી દ્વારા ઈડર ગઢ, ખેડબ્રહ્મા અને આસપાસના ડુંગરાળ વિસ્તારોનું પ્રત્યક્ષ સ્થળ નિરીક્ષણ હાથ ધરીને ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરાશે.
પહાડોમાં ખનન કરવા પર રોક
અરવલ્લીની ગિરિમાળાઓને પર્યાવરણીય વિનાશથી બચાવવા માટે છેલ્લા ઘણા સમયથી પર્યાવરણવિદો અને સ્થાનિકો 'ગઢ બચાવો સમિતિ' મેદાને ઉતરી છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોથી લઈને શહેરો સુધી આ પ્રાકૃતિક વારસાને જાળવી રાખવા માટે વ્યાપક આંદોલનો અને જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી છે. સ્થાનિકો અને આંદોલનકારીઓની મુખ્ય માંગણી એ છે કે ઐતિહાસિક અને પર્યાવરણીય દ્રષ્ટિએ સંવેદનશીલ એવા આ પહાડોમાં કાયમી ધોરણે ખનન પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે.પ્રજાના વિરોધ અને પર્યાવરણીય ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે અગાઉ મોટા પહાડોમાં ખનન કરવા પર રોક લગાવી દીધી હતી અને આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જ આ કમિટીની રચના કરી છે.
તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવ્યું
તપાસના ભાગરૂપે,સુપ્રીમ કોર્ટની આ કમિટી આગામી બે દિવસ સુધી સાબરકાંઠા જિલ્લાના વિવિધ પહાડી વિસ્તારોની મુલાકાત લેશે.કમિટી દ્વારા ઈડરના ઐતિહાસિક ગઢ, ખેડબ્રહ્મા અને અન્ય ગ્રામીણ ડુંગરાળ વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવશે.આ ઉપરાંત, કમિટી દ્વારા સ્થાનિક રહીશો,ગઢ બચાવો સમિતિ'ના સભ્યો, લીઝ ધારકો તેમજ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી તમામ પક્ષોની રજૂઆતો અને દલીલો સાંભળી શકાય.
સરહદી પહાડી વિસ્તારોની પણ મુલાકાત લેશે
સ્થાનિક નાગરિકો અને પર્યાવરણપ્રેમીઓ કાયમી ધોરણે ખનન બંધ કરાવવાની પોતાની માંગ પર મક્કમ છે.સાબરકાંઠા જિલ્લામાં બે દિવસીય પ્રવાસ અને તપાસ પૂર્ણ કર્યા બાદ આ કમિટી બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના સરહદી પહાડી વિસ્તારોની પણ મુલાકાત લેશે.ત્યારબાદ કમિટી રાજસ્થાન સરહદ સુધીના અરવલ્લી વિસ્તારની યાત્રા કરીને પોતાનો આખરી અહેવાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરશે.આ નિરીક્ષણ બાદ અરવલ્લીના અસ્તિત્વ અને ખનન પ્રવૃત્તિઓ અંગે કોઈ મોટો ચુકાદો આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: નારોલ સરખેજ એલિવેટેડ કોરિડોરમાં ગંભીર ખામી, એલાઈનમેન્ટ ખોરવાતાં 20 ફૂટ ઊંચો પિલર તોડ્યો