android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat News: યુનેસ્કો 'વિશ્વ ઇજનેરી દિવસ-2026' માટે અદાણી ગ્રુપની સત્તાવાર ભાગીદાર તરીકે વરણી

calendar_todayMarch 5, 2026

Gujarat News: યુનેસ્કો 'વિશ્વ ઇજનેરી દિવસ-2026' માટે અદાણી ગ્રુપની સત્તાવાર ભાગીદાર તરીકે વરણી

ભારતના આંતરમાળખાગત વિકાસ અને ઉર્જા ક્ષેત્રના દિગ્ગજ 'અદાણી ગ્રુપ' માટે એક મોટી વૈશ્વિક સિદ્ધિના સમાચાર સામે આવ્યા છે. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (UNESCO) અને વર્લ્ડ ફેડરેશન ઓફ એન્જિનિયરિંગ ઓર્ગેનાઇઝેશન્સ (WFEO) દ્વારા વર્ષ 2026ના 'ટકાઉ વિકાસ માટેના આંતરરાષ્ટ્રીય ઇજનેરી દિવસ' માટે અદાણી ગ્રુપની સત્તાવાર ભાગીદાર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ પસંદગી અદાણી ગ્રુપની સ્વચ્છ ઉર્જા અને ટકાઉ વિકાસ (Sustainable Development) પ્રત્યેની પ્રતિબદ્ધતા પર વૈશ્વિક મહોર સમાન છે.

ટકાઉ વિકાસ અને ઉર્જા સુરક્ષામાં અગ્રણી ભૂમિકા

અદાણી ગ્રુપની આ સિદ્ધિ પાછળ તેની સ્વચ્છ અને સસ્તી વીજળી પૂરી પાડવાની અજોડ ક્ષમતા રહેલી છે. આ ભાગીદારી વૈશ્વિક સ્તરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-7 (પરવડે તેવી અને સ્વચ્છ ઉર્જા)ને હાંસલ કરવા સાથે ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોનો પુરાવો આપે છે. આ પ્રસંગે અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે, પ્રગતિ અને પર્યાવરણનું સંતુલન જાળવતું અમારું આ મોડેલ વિશ્વ માટે ભારતનું એક અમૂલ્ય યોગદાન છે.

538 ચોરસ કિમીમાં ફેલાયેલો છે આ પ્લાન્ટ

આ ભાગીદારીના કેન્દ્રમાં ગુજરાતના કચ્છમાં આવેલો ખાવડા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ છે. 538 ચોરસ કિમીમાં ફેલાયેલો આ પ્લાન્ટ પેરિસ કરતા પાંચ ગણો અને મુંબઈ શહેર જેટલો મોટો છે. 2029 સુધીમાં 30 ગીગાવોટ (GW) ઉર્જા પેદા કરવાનું લક્ષ્ય છે. સોલર પેનલ્સ માટે પાણી વિનાની રોબોટિક ક્લિનિંગ સિસ્ટમ દ્વારા વાર્ષિક 1,716 મિલિયન લિટર પાણીની બચત થશે. આ પ્રોજેક્ટ દ્વારા વાર્ષિક 63.6 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે.

નવીનતા અને ડિજિટલાઇઝેશન દ્વારા ઉજ્જવળ ભવિષ્ય

વર્લ્ડ એન્જિનિયરિંગ ડે 2026ની થીમ "નવીનતા અને ડિજિટલાઇઝેશન દ્વારા ટકાઉ ભવિષ્ય માટે સ્માર્ટ એન્જિનિયરિંગ" રાખવામાં આવી છે, અદાણી સમૂહ જે રીતે ટેકનોલોજી-આધારિત ઇજનેરીનો ઉપયોગ કરીને રિન્યુએબલ એનર્જી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કાર્ય કરી રહ્યું છે, તે આ થીમને આબેહૂબ રીતે પ્રતિબિંબિત કરે છે. WFEO દ્વારા આ પ્રોજેક્ટની મહત્વાકાંક્ષા અને અસરને દર્શાવતી એક ટૂંકી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી છે, જે ભારતના હરિત સંક્રમણ (Green Transition) ને વિશ્વ સમક્ષ મૂકે છે.

આર્થિક અને સામાજિક પ્રભાવ

માત્ર પર્યાવરણ જ નહીં, પરંતુ આ પ્રોજેક્ટ આર્થિક રીતે પણ મહત્વનો છે. આ પ્રકલ્પ દ્વારા અંદાજે 15,200 જેટલી હરિત રોજગારીની તકો ઊભી થશે. 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા પ્રાપ્ત કરવાના ભારતના લક્ષ્ય તરફ આ એક મક્કમ ડગલું છે. ખાવડા ખાતેનો આ પ્લાન્ટ સાબિત કરે છે કે ઉજ્જડ અને વસવાટ વિનાની જમીનને પણ એન્જિનિયરિંગના જોરે ઉર્જાના સ્ત્રોતમાં ફેરવી શકાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો