calendar_todayFebruary 25, 2026
Gujarat News: રાજકોટ અને ભાવનગરમાં 96 હજારથી વધુ ગુના નોંધાયા, પોલીસે માત્ર 251 આરોપીઓનો જ વરઘોડો કાઢ્યો
ગુજરાતમાં ગુનેગારો સામે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે. અસામાજિક અને લુખ્ખા તત્વો સહિત જાહેરમાં આતંક મચાવીને લોકોને હેરાન કરનારા આરોપીઓ સામે રિકન્સ્ટ્રક્શન કરવાની પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવે છે. આ પ્રક્રિયાને જાહેરમાં વરઘોડો કાઢ્યો એવો ઉલ્લેખ થતો હોય છે. ત્યારે વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્ય દ્વારા સરકારને કરવામાં આવેલા સવાલના જવાબમાં ગુનેગારોના વરઘોડાનું સત્ય સામે આવ્યું છે.
સરકારના જવાબથી પોલીસની કામગીરી પર સવાલ
ગુજરાતમાં રાજકોટ અને ભાવનગર જિલ્લાને લઈને વિધાનસભામાં સવાલ કરાયો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા સરકારને સવાલ કરાયો હતો. જેમાં સરકારે જવાબમાં કહ્યું હતું કે, જાન્યુઆરી 2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજકોટ અને ભાવનગરમાં ગુનેગારોનું રીકન્સ્ટ્રક્શન કરાવામાં આવ્યું છે. રીકન્સ્ટ્રક્શન બાબતે પોલિસે શું ધ્યાન રાખવું તેની કોઇ માર્ગદર્શિકા નિયમ કે પરિપત્ર નથી.
ગુજરાતમાં ગુનેગારોના વરઘોડાનું સત્ય ખુલ્યું
સરકારે આપેલા જવાબમાં કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં 25890 ગુના નોંધાયા અને 49 આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાયું છે. રાજકોટ જિલ્લામાં 28825 ગુના નોંધાયા અને 48 આરોપીઓનું રીકન્સ્ટ્રકશન કરાયુ છે.ભાવનગરમાં 41506 ગુન્હા નોંધાયા અને 154 આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. રાજકોટ અને ભાવનગરમાં 96 હજાર કેસમાં પોલીસે વરઘોડો નથી કાઢ્યો. ગરીબ લાચાર અને ફેરિયા જેવા લાચાર લોકોના પોલીસે વરઘોડા કાઢ્યા હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો હતો. વિપક્ષે ગૃહમંત્રીને સવાલ કર્યો હતો કે, કોના કહેવાથી આ વરઘોડા કાઢ્યા હતાં. વિધાનસભામાં સરકારના જવાબથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે.