calendar_todayJune 8, 2026
Gujarat Policeને નવા બોસ મળ્યા, જી.એસ. મલિકે સંભાળ્યો DGPનો ચાર્જ
ગાંધીનગરમાં ગુજરાત પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. 1993 બેચના IPS અધિકારી જી.એસ. મલિકે ગુજરાતના પોલીસ મહાનિદેશક (DGP) તરીકે ચાર્જ સંભાળી લીધો છે. છેલ્લા પાંચ મહિનાથી DGPનો ચાર્જ ડૉ. કે.એલ.એન. રાવ પાસે હતો, પરંતુ હવે રાજ્ય પોલીસની કમાન સત્તાવાર રીતે જી.એસ. મલિકને સોંપવામાં આવી છે.
વરિષ્ઠ IPS અધિકારીઓમાં સ્થાન ધરાવે છે
જી.એસ. મલિક રાજ્યના અનુભવી અને વરિષ્ઠ IPS અધિકારીઓમાં સ્થાન ધરાવે છે. તેઓ છેલ્લા 22 મહિનાથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. 31 જુલાઈ 2023ના રોજ તેમને અમદાવાદના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાના અનેક પડકારોને સફળતાપૂર્વક સંભાળ્યા હતા.
મહત્વના જિલ્લાઓમાં પણ વિવિધ જવાબદારીઓ નિભાવી
જી.એસ. મલિકે પોતાની લાંબી પોલીસ કારકિર્દી દરમિયાન ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં SP તરીકે સેવા આપી છે. ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય, ભરૂચ અને કચ્છ જેવા મહત્વના જિલ્લાઓમાં પણ વિવિધ જવાબદારીઓ નિભાવી છે. તેમની કામગીરીને કારણે તેઓ પોલીસ વિભાગમાં એક સક્ષમ અને અનુભવી અધિકારી તરીકે ઓળખાય છે.
IG તરીકે પણ ફરજ બજાવી છે
તેમણે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં IG તરીકે પણ ફરજ બજાવી છે. બોર્ડર રેન્જ IG તરીકેની જવાબદારી ઉપરાંત તેઓ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે ત્રણ વખત નિમાઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકારમાં પણ તેઓ પાંચ વર્ષ સુધી ડેપ્યુટેશન પર રહી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.
આ પણ વાંચો--- Gujarat Latest News live : રાજકોટમાં બાબા બાગેશ્વર દરબાર મુદ્દે વિવાદ, પોલીસને સુઓમોટો દાખલ કરવા અરજી કરાશે