android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Rain : યાત્રાધામ દ્વારકામાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી, મુખ્ય માર્ગો પર સર્જાયું ખાડાઓનું સામ્રાજ્ય

calendar_todaySeptember 16, 2026

Gujarat Rain : યાત્રાધામ દ્વારકામાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી, મુખ્ય માર્ગો પર સર્જાયું ખાડાઓનું સામ્રાજ્ય

જગત મંદિર તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા પવિત્ર યાત્રાધામ દ્વારકામાં સામાન્ય વરસાદ પડતાંની સાથે જ સ્થાનિક તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. દ્વારકાના પ્રવેશદ્વાર સમાન વિસ્તારો અને મુખ્ય હાઈવે રોડ પર ઠેર-ઠેર મોટા મોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાઈ ગયું છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે માર્ગોની દશા અત્યંત દયનીય અને બિસ્માર બની ગઈ છે, જેનાથી સ્થાનિકો તેમજ દર્શનાર્થે આવતા ભક્તોમાં ગંભીર રોષ જોવા મળી રહ્યો છે.

ઇસ્કોન ગેટ અને રબારી ગેટ પાસે ખાડાઓથી અકસ્માતનો ભય

ખાસ કરીને દ્વારકાના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ઇસ્કોન ગેટ, રબારી ગેટ અને હાઈવે રોડ પર રસ્તાઓ તૂટી જતાં વાહનચાલકો માટે પસાર થવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આ ખાડાઓ વાહનચાલકો માટે કાળ સમાન સાબિત થઈ રહ્યા છે, કારણ કે પાણીના લીધે ખાડાની ઊંડાઈનો અંદાજ મેળવવો અશક્ય બને છે. પરિણામે દ્વિચક્રી અને ચારચક્રી વાહનો સ્લિપ થવાના તેમજ અકસ્માત સર્જાવાના કિસ્સાઓ વધી રહ્યા છે.

હજારો યાત્રાળુઓ હાલાકી ભોગવવા મજબૂર

દ્વારકામાં રોજિંદા ધોરણે હજારો સ્થાનિક નાગરિકો ઉપરાંત દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ધાર્મિક સ્થળે રસ્તાઓની આવી દુર્દશાથી શહેરની છબી ખરડાઈ રહી છે. સ્થાનિકો અને વેપારીઓ માગણી કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા નિદ્રામાંથી જાગીને આ જોખમી ખાડાઓનું તાત્કાલિક ધોરણે યોગ્ય પુરાણ અને પેચવર્ક કરીને રસ્તાઓનું સમારકામ કરવામાં આવે.

આ પણ વાંચો : Ahmedabad સિવિલ હોસ્પિટલમાં મોટો વિવાદ, ફ્રી સુવિધા છતાં દર્દીઓના બ્લડ સેમ્પલ ખાનગી લેબમાં મોકલાયાનો આક્ષેપ