calendar_todaySeptember 9, 2026
Gujarat Vidhansabha: 'મેં વંદે માતરમનું અપમાન કર્યું નથી', વિવાદ વચ્ચે ઇમરાન ખેડવાલાએ કરી સ્પષ્ટતા
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' દરમિયાન બેસી જવાના મુદ્દે ભારે વિવાદ ઊભો થયો હતો. પ્રવિણ માળીના આક્ષેપો બાદ ભાજપે આક્રમક વલણ અપનાવી માફીની માગ કર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડવાલાએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં પોતાનો પક્ષ રજૂ કરી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમણે રાષ્ટ્રીયગીત કે દેશનું કોઈ અપમાન કર્યું નથી.
મૂળ ગીતમાં ઊભો રહ્યો, ભાજપે ઉમેરેલી લાઇન વખતે બેઠો: ખેડવાલા
પોતાના વર્તન પાછળનું કારણ દર્શાવતા ઇમરાન ખેડવાલાએ જણાવ્યું કે, અત્યાર સુધી જે મૂળ વંદે માતરમ્ ગીત ગવાતું હતું તે પૂર્ણ થયું, ત્યાં સુધી હું સન્માનપૂર્વક ઊભો જ રહ્યો હતો, પરંતુ ભાજપ દ્વારા જેમાં પાછળથી વધારાની લાઇનનો ઉમેરો કરવામાં આવ્યો હતો, તે લાઇન શરૂ થતાં જ હું મારી સીટ પર બેસી ગયો હતો. તેમણે ઉમેર્યું કે, તેઓ વંદે માતરમ્ના મૂળ સ્વરૂપનું પૂરેપૂરું સન્માન કરે છે.
"હું અલ્લાહની ઇબાદત કરું છું અને દેશભક્ત પણ છું"
ભાજપના વિરોધ સામે આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે, ભાજપે તેમને કે દેશના નાગરિકોને દેશપ્રેમ શીખવવાની કે પ્રમાણપત્ર આપવાની કોઈ જરૂર નથી. તેમણે ઉમેર્યું કે, હું અલ્લાહની ઇબાદત કરું છું અને તેની સાથે સાથે હું એક સાચો દેશભક્ત પણ છું. મારી આઈડિયોલોજી અને વિચારધારા કોંગ્રેસ પક્ષની છે, ભાજપની નથી.
પક્ષનો નહીં, સંપૂર્ણ વ્યક્તિગત નિર્ણય હોવાનો સ્વીકાર
આ મુદ્દે કોંગ્રેસ પક્ષના સ્ટેન્ડ અંગે પૂછવામાં આવતાં ખેડવાલાએ સ્પષ્ટતા કરી હતી કે, આ નિર્ણય તેમનો તદ્દન વ્યક્તિગત હતો. ગાન દરમિયાન પક્ષના અન્ય કોઈ ધારાસભ્યો બેઠા નહોતા અને તેઓ ઊભા જ રહ્યા હતા. આમ, તેમણે આ સમગ્ર ઘટનાક્રમને પક્ષ સાથે જોડવાને બદલે પોતાનો અંગત વિરોધ દર્શાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો..
આ પણ વાંચો: કોંગ્રેસ MLA પર રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો આક્ષેપ, ઇમરાન ખેડાવાલા પર પ્રવિણ માળીએ લગાવ્યા ગંભીર આરોપ