calendar_todayOctober 27, 2026
Gujarat Weather Forcast : ગુજરાતમાં મિશ્ર ઋતુની અસર વચ્ચે ગુલાબી ઠંડીનો પ્રારંભ, રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો!
રાજ્યમાં હાલ હવામાનનો અનોખો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં મિશ્ર ઋતુની વ્યાપક અસર વર્તાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે હવામાં ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પવનોની દિશા બદલાતા ઉત્તર-પૂર્વના પવનોની સીધી અસર વાતાવરણ પર જોવા મળી રહી છે.
આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મિશ્ર ઋતુના કારણે આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે, જેના લીધે બપોરના સમયે ગરમી અનુભવશે. બીજી તરફ, દરિયાઈ વિસ્તાર કે અન્ય સક્રિય ચક્રવાતી સિસ્ટમને લઈને નાગરિકોમાં ચિંતા હતી, પરંતુ હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ ચક્રવાતની ગુજરાત પર કોઈ જ વિપરીત અસર નહીં થાય, જે ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર છે.
રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલું તાપમાન
તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યના મુખ્ય શહેરોમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પોરબંદરમાં 20.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 20.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદમાં 21 ડિગ્રી, ડીસામાં 21.3 ડિગ્રી, ભાવનગરમાં 22.2 ડિગ્રી, ભુજમાં 22.8 ડિગ્રી, રાજકોટમાં 23.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 23.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યભરમાં ધીમે ધીમે શિયાળાના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad: સરદાર સરોવર છલકાયો પણ સૌરાષ્ટ્ર-કચ્છ તરસ્યું! જળાશયો તળિયાઝાટક થતા ખેડૂતો અને માલધારીઓની હાલત કફોડી