android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Haldwani Shuddhikaran Controversy: રાહુલ ગાંધી સામે FIR કોણે કરી ? જાણો શું લગાવ્યો આરોપ

calendar_todayAugust 31, 2026

Haldwani Shuddhikaran Controversy: રાહુલ ગાંધી સામે FIR કોણે કરી ? જાણો શું લગાવ્યો આરોપ

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ઉત્તરાખંડમાં વધુ એક કેસ નોંધાયો છે. હલ્દવાનીના રામલીલા મેદાનમાં યોજાયેલા સફાઈ અભિયાન અને ત્યારબાદ કરવામાં આવેલા ધાર્મિક શુદ્ધિકરણ કાર્યક્રમ અંગે રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીને લઈને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ અનુસૂચિત જાતિ સમુદાયના એક યુવકે કરી હતી.

રાહુલ ગાંધી સામે કોણે કરી FIR ? 

હલ્દવાની પોલીસે જણાવ્યું છે કે જવાહર નગરના રહેવાસી 26 વર્ષીય અમિત કુમારની ફરિયાદના આધારે કોતવાલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. અમિત કુમાર વાલ્મીકિ સમુદાય સાથે સંબંધ ધરાવે છે અને ‘શ્રી રામ સેના ધર્માર્થ સેવા ન્યાસ’ સાથે જોડાયેલા હોવાનું પોલીસનું કહેવું છે. ફરિયાદમાં રાહુલ ગાંધીને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

શું છે સમગ્ર વિવાદ?

ફરિયાદ અનુસાર, અમિત કુમારે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ રામલીલા મેદાનમાં યોજાયેલા યજ્ઞ અને સફાઈ કાર્યક્રમને જાતિના ચશ્માથી રજૂ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધીની ટિપ્પણીઓથી એવું ચિત્ર ઊભું થયું કે કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકો અસ્પૃશ્યતા અને દલિત વિરોધી માનસિકતાને પ્રોત્સાહન આપી રહ્યા હતા.

અમિત કુમારનો દાવો છે કે આ નિવેદનથી વાલ્મીકિ સમાજની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે 11 ઓગસ્ટે રામલીલા મેદાનમાં થયેલા સફાઈ અભિયાન અને ધાર્મિક વિધિ દરમિયાન તેઓ પોતે હાજર હતા.

મલ્લિકાર્જુન સાથે જોડવી યોગ્ય નહી- ફરિયાદી 

તેમના જણાવ્યા મુજબ, મેદાનની સફાઈ અને ત્યારબાદ કરવામાં આવેલી ધાર્મિક વિધિનો કોઈ વ્યક્તિની જાતિ સાથે સંબંધ નહોતો. કાર્યક્રમમાં સમાજના અલગ-અલગ વર્ગોના લોકો સામેલ થયા હતા, જેમાં અનુસૂચિત જાતિના લોકોનો પણ સમાવેશ થાય છે. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સમગ્ર પ્રક્રિયાને મલ્લિકાર્જુન ખડગે અથવા કોઈ ચોક્કસ વ્યક્તિની જાતિ સાથે જોડવી યોગ્ય નથી.

અમિત કુમારનો રાહુલ ગાંધી પર આરોપ

અમિત કુમારે ફરિયાદમાં જણાવ્યું છે કે 29 ઓગસ્ટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ સમગ્ર મામલાની પૂરતી હકીકતોની તપાસ કર્યા વગર SC/ST અધિનિયમ, 1989 હેઠળ કાર્યવાહી અને FIRની માંગ કરી હતી.

ફરિયાદીનો આરોપ છે કે રાહુલ ગાંધીની ટિપ્પણીઓથી માત્ર તેમનું જ નહીં, પરંતુ સમગ્ર વાલ્મીકિ સમાજનું અપમાન થયું છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેમને અને કાર્યક્રમ સાથે જોડાયેલા અન્ય લોકોને અસ્પૃશ્યતા તથા દલિત વિરોધી માનસિકતા ધરાવતા તરીકે રજૂ કરવામાં આવ્યા.

અમિત કુમારે પોતાની ફરિયાદમાં 8 ઓગસ્ટે રામલીલા મેદાનમાં યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમણે મેદાન અને સ્ટેજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

ફરિયાદમાં અમિત કુમારે દાવો કર્યો છે કે ત્યાં મોટી માત્રામાં કચરો અને ખાલી દારૂની બોટલો મળી આવી હતી. કેટલીક બોટલોમાં અશુદ્ધ પદાર્થ હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. વધુમાં, કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકો દ્વારા વાંધાજનક તથા ‘જેહાદી’ પ્રકારના નારા લગાવવામાં આવ્યા હોવાનો દાવો પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

11 ઓગસ્ટે શું થયું હતું?

FIRમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે, 8 ઓગસ્ટના રાજકીય કાર્યક્રમ બાદ 11 ઓગસ્ટે રામલીલા મેદાનની સફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ મેદાનની ધાર્મિક અને સાંસ્કૃતિક પવિત્રતા પુનઃસ્થાપિત કરવાના હેતુથી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમિત કુમારનું કહેવું છે કે આ પ્રક્રિયામાં કોઈની જાતિને મહત્વ આપવામાં આવ્યું નહોતું અને તેઓ પોતે પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ જ ‘શુદ્ધિકરણ’ કાર્યક્રમને લઈને રાહુલ ગાંધીએ 29 ઓગસ્ટે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટિપ્પણી કરી હતી. તેમણે ‘શુદ્ધિકરણ’ને અસ્પૃશ્યતા સાથે જોડ્યું હતું અને તેને ગુનો ગણાવી, SC/ST અધિનિયમ હેઠળ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ફરિયાદીનો શું દાવો છે?

અમિત કુમારનો આરોપ છે કે ગંભીર આક્ષેપો કરતા પહેલાં રાહુલ ગાંધી અથવા તેમના પ્રતિનિધિઓએ સમગ્ર ઘટનાની હકીકતો જાણવા માટે તેમની કે કાર્યક્રમ સાથે જોડાયેલા અન્ય સભ્યોની સાથે વાતચીત કરી નહોતી.


ફરિયાદમાં તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીના નિવેદન બાદ તેમના તથા સમિતિના અન્ય સભ્યો પર સામાજિક અને રાજકીય દબાણ વધ્યું છે. લોકોમાં તેમની વિરુદ્ધ નારાજગી ઊભી કરવામાં આવી રહી હોવાનો અને તેમને ધમકીઓ મળતી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. અમિત કુમારના જણાવ્યા મુજબ, આ પરિસ્થિતિને કારણે તેમની સામાજિક પ્રતિષ્ઠા, રોજગાર, વ્યક્તિગત સુરક્ષા અને પરિવારની સલામતી અંગે ચિંતા ઊભી થઈ છે.


ફરિયાદમાં વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના વિરુદ્ધ ગંભીર નિવેદનો કરનારા લોકો પોતે SC/ST સમુદાયના સભ્યો નથી, તેમ છતાં તેમણે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ પર દલિત વિરોધી હોવાના આરોપો મૂક્યા છે. અમિત કુમારે આક્ષેપ કર્યો છે કે આવા નિવેદનોથી તેમના અને તેમના સહયોગીઓ વિરુદ્ધ સામાજિક દ્વેષનું વાતાવરણ ઊભું થયું છે. પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે અને હવે સમગ્ર મામલે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો- Surya Nakshatra Parivartan: મહિનાના અંતે સૂર્યની જેમ ચમકશે 4 રાશિનું નસીબ.. જાણો તમારી રાશિ છે?