android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Halvad: હળવદમાં બે પરિવારો વચ્ચે જૂની અદાવતમાં સશસ્ત્ર ધીંગાણુ : 1 વ્યક્તિનું સારવારમાં મોત

calendar_todayMarch 26, 2026

Halvad: હળવદમાં બે પરિવારો વચ્ચે જૂની અદાવતમાં સશસ્ત્ર ધીંગાણુ : 1 વ્યક્તિનું સારવારમાં મોત

હળવદ શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ કૃષિ શાળા રોડ પાસે બે પરિવારો વચ્ચે જૂની અદાવત અને મનદુઃખ બાબતે મંગળવારે થયેલા સશસ્ત્ર ધીંગાણાએ લોહીયાળ વળાંક લીધો છે. આ મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા કાળુભાઈ મોહનભાઈ પરમારનું સારવારમાં મૃત્યુ નિપજતા આ સમગ્ર બનાવ હવે હત્યામાં પલટાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે ઉચ્ચ પોલીસ અધિકારી સ્ટાફ્ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.

હળવદના બસ સ્ટેશન પાછળ આવેલા કૃષિ શાળા રોડ પાસે મંગળવારે બપોર પછી જૂની અદાવતને ધ્યાને લઈ ને બે પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામો હુમલા બાદ સશસ્ત્ર્ર ધીંગાણુ ખેલાયું હતું. જેમાં રતનબેન કાળુભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, અગાઉની અદાવત રાખીને નટુભાઈ નાનજીભાઈ પરમાર, આશિષભાઈ નટુભાઈ પરમાર, રવિ નટુભાઈ પરમાર, દિપક નટુભાઈ પરમાર, હંસાબેન નટુભાઈ પરમાર અને લતાબેન શૈલેષભાઈ પરમારે ગેરકાયદેસર મંડળી રચી તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ હુમલામાં નટુભાઈએ કુહાડીથી રતનબેનના પતિ કાળુભાઈ મોહનભાઈ પરમારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે અન્ય આરોપીઓએ તેમને ઢસડીને બહાર લાવી ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. કુહાડી અને પાઇપના ઘા વાગવાથી થયેલી આ ગંભીર ઈજાઓને કારણે કાળુભાઈ પરમારનું રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં મોત નિપજ્યું હતું. જ્યારે સામા પક્ષે નટવરભાઈ નાનજીભાઈ પરમારે પણ જયેશ કાળુભાઈ પરમાર, કાળુભાઈ મોહનભાઈ પરમાર (હાલ મૃતક) અને રતનબેન કાળુભાઈ પરમાર સામે પથ્થરમારો કરી, ધોકાથી મારમારી અને બાઈક સળગાવી દેવા અંગે વળતી ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત કાળુભાઈ પરમારના મૃત્યુને પગલે હળવદ પોલીસે રતનબેનની ફરિયાદના આધારે હત્યાની કલમનો ઉમેરો ક2વાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam