android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Halvad: હળવદ તા. પં.ની 20 બેઠકો માટે ત્રિપાંખિયો જંગ

calendar_todayApril 24, 2026

Halvad: હળવદ તા. પં.ની 20 બેઠકો માટે ત્રિપાંખિયો જંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ઉમેદવારો મતદારોને રીઝવવા 40 ડિગ્રી તાપમાનનો સામનો કરી રહ્યા છે. ત્યારે હળવદ તાલુકા પંચાયતની વીસ બેઠકની વાત કરીએ તો હાલ આ બેઠક ઉપરના એક લાખથી વધુ મતદારો સાવ નિરસ જોવા મળી રહ્યા છે. બીજી તરફ્ ગત ટર્મમાં વીસમાંથી સતર બેઠક મેળવનાર ભાજપને આ ચૂંટણી જીતવા માટે કપરા ચડાણ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ખાસ ટિકિટ વહેચણી મુદ્દે ક્યાંક અસંતોષ હોવાનું અને સાથે સાથે અમુક સીટ ઉપર ત્રિપાંખિયો મુકાબલો બાજી પલટી શકે છે. સાથે તા. 26મી એપ્રિલે મતદાનના દિવસે 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન રહેવાની આગાહીને પગલે ઓછું મતદાન પણ ભાજપની મુસીબત વધારી શકે તેવું રાજકીય પંડિતોનું માનવું છે. હળવદ તાલુકામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોની પસંદગી કરવામાં મહદ અંશે નો રીપીટની થિયરી અજમાવી છે. એમાંય નવા ચહેરા માટે પોતાની ઓળખ ઊભી કરવાનો પડકાર સામે આવ્યો છે. બીજી તરફ્ ગત ટર્મમાં વીસમાંથી માત્ર બે બેઠક મેળવનાર કોંગ્રેસે આ ચૂંટણીમાં અમુક સીટ ઉપર જ્ઞાતિના સમીકરણ મુજબ મજબૂત ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ અમુક સીટ ઉપર મજબૂત પાટીદાર, કોળી ઠાકોર તેમજ રાજપૂત સમાજના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. બીજી તરફ્ ભાજપ એ જૂના અને ગત ટર્મની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની ટિકિટ કાપી નવા ચહેરાને ટિકિટ આપવામાં આવતા ટિકિટ નહી મળનાર નારાજ કાર્યકરો પણ પાછલા બારણે કઈક નવાજુની કરી શકે તેવી ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે. હાલમાં ચાલી રહેલી ગરમી અને ચૂંટણીના દિવસે હવામાન વિભાગની વધુ તાપમાનની આગાહી અને લગનગાળા સીઝનને કારણે જો ઓછુ મતદાન થાય તો તેની અસર પરિણામમાં પણ જોવા મળે તેવુ રાજકીય પંડીતોનુ કહેવુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો