android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Halvad: ગ્રામ્યમાં 47 છાત્રોના માથેથી ઘાત ટળી

calendar_todayJanuary 6, 2026

Halvad: ગ્રામ્યમાં 47 છાત્રોના માથેથી ઘાત ટળી

મોરબીના આમરણ ગામે આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલના છાત્રોને શૈક્ષણીક પ્રવાસે રણમાં લઈ જવાયા હતા. પ્રવાસ પુર્ણ કરી આમરણ પરત ફરતી વખતે હળવદ તાલુકાના રણમલપુર-ઘણાદ વચ્ચે બસનું ટાયર અચાનક ફાટતા બસ રસ્તાની નીચે ઉતરી વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 47 વિદ્યાર્થીઓ સહિતનાઓનો આબાદ બચાવ થયો હતો. પરંતુ આ ઘટના શાળાએ પ્રવાસે મોકલતા બાળકોના વાલીઓ માટે લાલબત્તી સમાન છે.

સમગ્ર રાજયની શાળાઓમાં હાલ શૈક્ષણીક પ્રવાસની મૌસમ ચાલી રહી છે. ત્યારે મોરબીના આમરણ ગામની સ્વામી વિવેકાનંદ સ્કૂલના ધો. 9 અને 11ના છાત્રોના કચ્છના નાના રણમાં પ્રવાસનું આયોજન કરાયુ હતુ. જેમાં પ્રવાસ પુર્ણ કરી બાળકોને લઈને જતી શાળાની બસ મંગળવારે સવારે પરત ફરી રહી હતી. 36ની ક્ષમતાવાળી આ બસમાં 47 છાત્રો, 4 શિક્ષકો અને ડ્રાઈવર સહિત 52 લોકો સવાર હતા. ત્યારે હળવદ તાલુકાના રણમલપુર-ઘણાદ વચ્ચે અચાનક બસનું ટાયર ફાટતા બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને બસ રસ્તાની નીચે ઉતરી વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. બસનો અકસ્માત થતા બસમાં સવાર વિદ્યાર્થીઓએ દેકારો કરી મુકયો હતો. જોકે, આ બનાવમાં વીજ પોલના સપોર્ટથી બસ પલટી ખાતા રહી ગઈ હતી જેને લીધે કોઈને ઈજા ન થતા મોટી ઘાત ટળી હતી. જયારે વીજ પોલ સાથે જીવંત તાર જોડાયા હતા જો તાર તુટયો હોત તો પણ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. મળતી માહીતી મુજબ શાળાની બસની હાલ સાવ જર્જરીત હતી. બાદ છાત્રોને બસમાંથી હેમખેમ બહાર કઢાયા હતા. અને હળવદની એક ખાનગી સ્કુલની બસમાં છાત્રોને હળવદ લઈ જવાયા હતા. અને ત્યાંથી આમરણ સ્કુલથી બીજી બસ બોલાવી છાત્રોને આમરણ લઈ જવાયા હતા. હળવદ પંથકમાં સ્કુલ બસના અકસ્માતની ઘટના કોઈ નવીન નથી. આ અગાઉ પણ હળવદની 2 શાળાઓની બસ એક બીજા સાથે ટકરાવવાનો બનાવ બન્યો હતો. ત્યારે મોરબી જિલ્લામાં રાજકીય આકાઓની રહેમનજર હેઠળ નિયમોની ઐસી તૈસી કરીને કામ કરતા ખાનગી શાળા સંચાલકોની મનમાની વિશે ગણગણાટ જોવા મળે છે. અને આવી જર્જરીત બસોમાં પોતાના બાળકોને પ્રવાસે મોકલતા પહેલા વાલીઓનો ગહન વિચાર જરૂરી બન્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો