android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Heavy Rain: ઉત્તર પ્રદેશમાં જળપ્રલય! ગંગા-યમુના નદીઓ ભયજનક સપાટીએ, 8 લોકોનાં મોત

calendar_todaySeptember 4, 2026

Heavy Rain: ઉત્તર પ્રદેશમાં જળપ્રલય! ગંગા-યમુના નદીઓ ભયજનક સપાટીએ, 8 લોકોનાં મોત

ગંગા, યમુના, મંદાકિની, ટોન્સ, બેલન, સરયૂ, ઘાઘરા અને શારદા સહિતની અનેક મુખ્ય નદીઓ જોખમના નિશાનની આસપાસ અથવા તેનાથી ઉપર વહી રહી છે. પૂરનાં પાણીના કારણે સેંકડો ગામોનો સંપર્ક તૂટી ગયો છે. સાથે જ હજારો એકર વિસ્તારમાં ફેલાયેલા પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ચિત્રકૂટ, ઇટાવા, બાંદા, સીતાપુર, બારાબંકી અને સંભલ જિલ્લામાં દીવાલ ધરાશાયી થવી, વીજળી પડવી અને વૃક્ષો પડવા જેવી અલગ-અલગ ઘટનાઓમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ચિત્રકૂટમાં સૌથી વધુ તબાહી

ચિત્રકૂટ જિલ્લામાં ભારે વરસાદ અને મંદાકિની નદીના વધેલા જળસ્તરે ભારે વિનાશ સર્જ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 565 કાચા અને પાકા મકાનો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે. 

મંદાકિની નદીમાં આવેલા પૂરના કારણે પ્રસિદ્ધ રામઘાટ સહિત 16 ગામો પાણીમાં ડૂબેલા છે. નદીનું જળસ્તર છેલ્લા 48 કલાકથી લગભગ 129 મીટર પર સ્થિર છે, જે 126.500 મીટરના જોખમના નિશાન કરતાં ઘણું વધારે છે. વહીવટી તંત્ર દ્વારા રામઘાટ વિસ્તારમાંથી અનેક પરિવારોને બચાવીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત ઇટાવામાં વીજળી પડવાથી ધોરણ 12માં ભણતા 18 વર્ષીય વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાંદામાં ભારે પવન અને વરસાદ દરમિયાન રસ્તા પર મોટું વૃક્ષ ધરાશાયી થતાં બાઇક સવારનું મોત થયું હતું, જ્યારે તેના બે પિતરાઈ ભાઈઓ ઘાયલ થયા હતા. સીતાપુરમાં કાચી દીવાલ ધરાશાયી થતાં એક મહિલાનું કાટમાળ નીચે દટાઈ જવાથી મોત થયું હતું. બારાબંકીમાં દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું, જ્યારે સંભલમાં વીજળી પડવાથી એક મકાન ધરાશાયી થયું હતું, જેમાં પાંચ લોકો ઘાયલ થયા છે.

રાહત અને બચાવ કામગીરી તેજ

ઉત્તર પ્રદેશના પૂરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. NDRF, SDRF અને સ્થાનિક પ્રશાસનની ટીમો બોટ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પહોંચી રહી છે. બચાવ ટીમો દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની સાથે રાહત સામગ્રી, સૂકો રાશન અને જરૂરી દવાઓ પણ પહોંચાડવામાં આવી રહી છે.

પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદીના જળસ્તર અને વરસાદની સ્થિતિ પર દેખરેખ રાખીને જરૂરિયાત મુજબ વધુ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Weather Update: દેશભરમાં વરસાદી માહોલ! UP-MPથી દિલ્હી-NCR સુધી IMDનું ભારે વરસાદનું એલર્ટ