android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Himachalમાં પેરાગ્લાઇડિંગ દુર્ઘટના: બ્રિટિશ પાઇલટનો બચાવ, બલ્ગેરિયન પાઇલટનું મોત

calendar_todayOctober 27, 2026

Himachalમાં પેરાગ્લાઇડિંગ દુર્ઘટના: બ્રિટિશ પાઇલટનો બચાવ, બલ્ગેરિયન પાઇલટનું મોત

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળાના ખનિયારા-યોલ વિસ્તારમાં પેરાગ્લાઇડિંગ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બલ્ગેરિયાના 47 વર્ષીય પાઇલટ મેક્સિમ વેલેન્ટિનોવિચ ગેવ્રિલિચેન્કોનું મોત થયું હતું, જ્યારે તેમની સાથે ઉડાન ભરી રહેલા બ્રિટનના 63 વર્ષીય પાઇલટ સ્ટીફન એન્ટની પર્ડીને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. બીડ-બિલિંગથી સોલો પેરાગ્લાઇડિંગ ઉડાન ભર્યા બાદ રાઇઝિંગ સ્ટાર પીક નજીક આ અકસ્માત થયો હતો.

વધુ પવનના કારણે અકસ્માત થયાની પ્રાથમિક આશંકા

પ્રાથમિક માહિતી અનુસાર, પવનની ગતિ વધુ હોવાને કારણે બંને પાઇલટ અકસ્માતનો ભોગ બન્યા હતા. પોલીસ અને વહીવટી તંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ, મેક્સિમ 7 ઑક્ટોબરે ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા. રવિવારે બીડ-બિલિંગથી ઉડાન ભર્યા બાદ બપોરે આશરે 3થી 3:30 વાગ્યાની વચ્ચે ખનિયારા-યોલ વિસ્તારમાં અકસ્માત થયાની જાણ થઈ હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ, એસડીઆરએફ(SDRF) અને સ્થાનિક હિમ સંસાર રેસ્ક્યૂ ટીમે સંયુક્ત રીતે બચાવ કામગીરી શરૂ કરી હતી.

રાત્રે આશરે 9 વાગ્યે ઘટનાસ્થળે પહોંચેલી ટીમે આખી રાત શોધખોળ કરી હતી. સોમવારે સવારે આશરે 10 વાગ્યે બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ અકસ્માતમાં મેક્સિમનું મોત થયું હતું, જ્યારે બ્રિટિશ નાગરિક સ્ટીફન એન્ટની પર્ડીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધર્મશાળાની ઝોનલ હૉસ્પિટલના શબગૃહમાં રાખવામાં આવ્યો છે.

એસપીએ શું કહ્યું?

કાંગડાના એસપી કુલભૂષણ વર્માએ આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે પોલીસ આ મામલે જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી રહી છે. તેમણે કહ્યું કે સતત બદલાતા હવામાન અને તેજ પવન વચ્ચે પેરાગ્લાઇડિંગની ઉડાનની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. એસપીએ જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પેરાગ્લાઇડિંગ પાઇલટ્સને વારંવાર સૂચના આપવામાં આવે છે કે ખરાબ હવામાનમાં ઉડાન ન ભરે. તેમ છતાં વહીવટી તંત્રની સૂચનાઓની અવગણના કરીને પેરાગ્લાઇડિંગ કરતા લોકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. કાંગડાના એસપીએ વધુમાં જણાવ્યું કે મેક્સિમ વેલેન્ટિનોવિચ ગેવ્રિલિચેન્કો 7 ઑક્ટોબર, 2026ના રોજ ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા. તેઓ પોતાના મિત્ર સાથે સોલો પેરાગ્લાઇડિંગ ઉડાન ભરી રહ્યા હતા, ત્યારે ખનિયારાના રાઇઝિંગ સ્ટાર પીક નજીક અકસ્માત સર્જાયો હતો.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d