android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Himatangar : પોશીનાના આબાસર ગામે મકાનમાં અચાનક આગ ભભુકી ઊઠતાં દોડધામ

calendar_todayOctober 27, 2026

Himatangar : પોશીનાના આબાસર ગામે મકાનમાં અચાનક આગ ભભુકી ઊઠતાં દોડધામ

પોશીના તાલુકાના દેલવાડા વિસ્તારમાં આવેલા આબાસર ગામે એક ગરીબ પરિવારના કાચા મકાન (છાપરા)માં કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઘરની તમામ સામગ્રી બળીને ખાખ થઈ જતાં ગરીબ પરિવાર નિરાધાર બની ગયો છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આબાસર ગામના રહીશ કપુરભાઈ ભાડાભાઈ ગમારના રહેણાંક છાપરામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ઘરમાં રાખેલો અનાજનો જથ્થો, કિંમતી દાગીના, કપડાં, ઘરવખરી અને વાસણો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. આ ઉપરાંત ઘરમાં મુકેલા રોકડા રૂ.6000 પણ આગની લપેટમાં આવી ગયા હતા. મકાનની નજીક બાંધેલી એક ભેંસ પણ આગની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં પરિવારની આજીવન મૂડી સમાન તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ચૂકી હતી. એકાએક બનેલી આ આગની ઘટનાથી કપુરભાઈના પરિવાર પર આભ તૂટી પડયું છે અને તેઓ ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. આ ગરીબ પરિવારને થયેલા ભારે આર્થિક નુકસાન સામે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પંચનામું કરી યોગ્ય સરકારી સહાય ચૂકવવામાં આવે તેવી ગ્રામજનો અને આગેવાનો માંગ કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો