calendar_todayAugust 21, 2026
Himatnagar: હિંમતનગરમાં બ્રિજ પર 3 વાહનનો ગાય સાથે અકસ્માત, ગાયનું મોત
હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ પર ગુરૂવારે રાત્રે પોલીસ વાહન તથા અન્ય બે વાહનો સાથે એક કાળા રંગની ગાય અથડાતા પોલીસના તથા અન્ય બે મળી ત્રણ વાહનોને નુકસાન થયુ હતુ. જયારે ગંભીર રીતે ઘવાયેલ ગાયનું મોત નિપજયું હતુ. જેથી નગરપાલિકા દ્વારા હિંમતનગરવાસીઓને સત્વરે શહેરમાં રખડતા પશુઓથી છુટકારો અપાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ગુરૂવારે રાત્રે સહકારી જીન વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ પર પોલીસ વાહન તથા અન્ય બે ખાનગી વાહનો પસાર થઇ રહ્યા હતા. ત્યારે ઓવર બ્રિજ પર ચઢી આવેલી ગાય સાથે ત્રણેય વાહનો અથડાયા હતા. જેના લીધે થોડોક સમય ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ અકસ્માતને કારણે પોલીસ વાહન સહિત ત્રણેય વાહનોને નુકસાન થવા પામ્યુ હતુ, જયારે ગાયનું પણ ગંભીર ઇજાને કારણે મોત નિપજયુ હતુ. આ ઓવરબ્રિજ પર રાત્રે 9 વાગ્યાની આસપાસ રોડ વચ્ચે એક ગાય બેઠી હતી. દરમિયાન કાંકરોલ તરફથી આવી રહેલા વાહનો પૈકી પ્રથમ એક કાર ગાય સાથે અથડાઈને આગળ નીકળી ગયુ હતુ. ત્યારબાદ એક સ્વીફ્ટ કાર અથડાતા પલટી ગઈ હતી અને ત્રીજા વાહન તરીકે એલસીબીની બોલેરો પણ ગાય સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સ્વીફ્ટ કાર અને એલસીબી બોલેરોને નુકસાન થયું હતું. જોકે બોલેરો ચાલક અને સ્વીફ્ટ કાર ચાલક સહિત 3 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અકસ્માત થયો ત્યારે ઓવર બ્રિજ પર એક તરફની લાઈટો બંધ હોવાનું નજરે જોનારાઓનું માનવું છે. ઘટનાની જાણ થતા હિંમતનગર એ. ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે રસ્તા વચ્ચે મૃત્યુ પામેલી ગાયને હટાવવાની કામગીરી કરાઇ હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો