calendar_todayJanuary 9, 2026
Himatnagar: તલવારબાજીમાં 4 દીકરીએ 33 વર્ષ બાદ ગુજરાતને નેશનલ લેવલે બ્રોન્ઝ અપાવ્યો
ગુજરાતના રમત-ગમત ક્ષેત્રે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ઓરિસ્સાના કટક ખાતે તાજેતરમાં યોજાયેલ 33મી જુનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપ-2026માં ગુજરાતની ટીમની દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે, ગુજરાતને આ સફળતા પૂરા 33 વર્ષ પછી ચાર મહિલા ખેલાડીઓએ મેદાન મારી ગુજરાતનું તથા પરિવારનું નામ રોશન કર્યું છે. આ અંગેની વિગત એવી છે કે, ઓરિસ્સાના કટક ખાતે યોજાયેલ 33મી જુનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં હિંમતનગરની ભક્તિ પટેલ સહિત ચાર પ્રતિભાશાળી ખેલાડીઓ અમીષા ચૌધરી, હિમાંશી ચૌધરી અને સિદ્ધિ ચૌધરીનો સિંહફાળો રહ્યો છે. આ ચારેય ખેલાડીઓએ પોતાની કુશળતા અને સખત મહેનતના જોરે રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ચેમ્પિયનશીપનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ખૂણેખૂણેથી પ્રતિભાશાળી જુનિયર તલવારબાજોને પ્રોત્સાહન આપવાનો અને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ખેલાડીઓ તૈયાર કરવાનો છે. આ સ્પર્ધામાં ભારતભરના વિવિધ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં રમતનું સ્તર ખૂબ જ ઊંચું જોવા મળ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ખેલ મહાકુંભ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના પ્રયાસોને કારણે ફેન્સિંગ (તલવારબાજી) જેવી રમતોમાં ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે, જેનું પરિણામ આ મેડલ સ્વરૂપે જોવા મળ્યું છે. ભક્તિ પટેલના પિતા જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત માટે આ સતત બીજી મોટી સફળતા છે. અગાઉ નવેમ્બર-2025માં દિલ્હી ખાતે યોજાયેલી સિનિયર ચેમ્પિયનશિપમાં પણ 36 વર્ષ બાદ મેડલ આવ્યો હતો, અને હવે જુનિયર ટીમની આ દીકરીઓએ 33 વર્ષનો દુકાળ ખતમ કર્યો છે. આ જીત માત્ર આ ચાર દીકરીઓની નથી, પણ સમગ્ર્ર ગુજરાતના રમત જગત માટે એક નવી આશા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો