calendar_todayMarch 28, 2026
Himatnagar: શામળપુરમાં વર્ષથી ઊભી કરાયેલી નવી DP શોભાના ગાંઠિયા સમાન
શામળાજી નજીક આવેલા શામળપુર ગામમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં છેલ્લા એક વર્ષથી નવી ડી.પી. (ટ્રાન્સફેર્મર) નાખી દેવામાં આવી હોવા છતાં હજુ સુધી કનેક્શન ન અપાતા ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ ગામમાં 100 વોલ્ટની ડી.પી. કાર્યરત હતી, પરંતુ કનેક્શન વધતા લોડ વધી ગયો હતો. જેના ઉકેલ માટે અધિકારીઓએ નવી ડી.પી. નાખવાની સૂચના આપી હતી.
વીજ કંપનીની સૂચના મુજબ, ગ્રાહકોએ એક વર્ષ પહેલા જ ડિપોઝિટની રકમ ભરી દીધી છે. નવી ડી.પી. પણ ઉભી કરી દેવાઈ છે પરંતુ હજુ સુધી તેના પરથી કનેક્શન આપવામાં આવ્યા નથી. વધુમાં હાલની ડી.પી. પર મોટા વેલાઓ ચઢી ગયા છે અને આખું ટ્રાન્સફેર્મર ઢંકાઈ ગયું છે, જે ગમે ત્યારે શોર્ટ સર્કિટનું કારણ બની શકે તેમ છે. ખેતરોમાં વીજળીના તાર એટલી હદે નીચે લટકે છે કે હાથ અડી જાય તેવી સ્થિતિ છે. આ બેદરકારીને કારણે ખેડૂતોનો પાક સળગી જવાની કે પશુ- માનવ જાનહાનિની ભીતિ સેવાઈ રહી છે. ગામના આગેવાન મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે શામળાજી ઓફ્સિમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ અધિકારીઓ અમારી વાત સાંભળવા તૈયાર નથી. જો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાશે, તો તેના માટે જવાબદાર કોણ? ગ્રામજનોની માંગ છે કે, તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે નવી ડી.પી. માંથી કનેક્શન આપી, લટકતા તારોનું નિરાકરણ લાવે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam