calendar_todayAugust 29, 2026
Himmatnagar: સાબરકાંઠા જિલ્લામાં વરસાદની પ્રવર્તતી ઘટ મગફળી, કપાસ અને ડાંગરના પાક પર સંકટ
સાબરકાંઠા જિલ્લામાં લગભગ એકાદ મહિનાથી વરસાદ પડયો નથી જેના લીધે જિલ્લાના મોટાભાગના સ્થળે ખેડુતોએ ચોમાસુ પાક તરીકે વાવેતર કરેલ મગફળી, કપાસ, ડાંગર, દિવેલા, મકાઈ સહિતના અન્ય પાકો વરસાદી પાણી ન મળવાને કારણે અત્યારે આ બધા પાકોમાં ઈયળ સહિત ફુગ અને ડોળનો ઉપદ્રવ વધી ગયો છે જેથી આ પાકોને બચાવવા ખેડુતો રાસાયણિક દવાઓનો છંટકાવ કરી રહ્યા છે પરંતુ વાતાવરણ અનુકુળ ન હોવાને કારણે પાકનો વિકાસ અટકી ગયો છે, જો એકાદ અઠવાડિયામાં સારો વરસાદ નહીં થાય તો ખેડૂતોએ ચોમાસુ પાક માટે કરેલો ખર્ચ માથે પડે તેવી શકયતા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર તાલુકામાં ખેડુતોએ ચોમાસુ પાક તરીકે વાવેતર કરેલ મોટાભાગના પાક ઊગીને તૈયાર થયા બાદ ખેડૂતોએ નિંદામણ અને આંતરખેડ કરીને માવજત કરી દીધી છે. પરંતુ એકાદ મહિનાથી વરસાદ ન પડવાને કારણે આ તમામ પાકોમાં ભેજ સુકાઈ ગયો છે. તો બીજી તરફ આ બધા પાકોમાં વિવિધ જીવાતનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે. તેમ છતાં ખેડૂતોએ રાસાયણિક દવાઓ તથા અન્ય ખાતરોનો ઉપયોગ કરીને પાકનો વિકાસ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો