calendar_todayMay 14, 2026
Himmatnagar News: પીપલોદી સ્ટેન્ડ પાસે અકસ્માતમાં વૃદ્ધાનું મોત, રોષે ભરાયેલા સ્થાનિકોએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો
હિંમતનગરના પીપલોદી સ્ટેન્ડ પાસે આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે પરથી રોડ ક્રોસ કરી રહેલા એક રાહદારી વૃદ્ધાને પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો.
મૃતદેહ હાઈવે પર મૂકી પથ્થરમારો અને ચક્કાજામ
આ અકસ્માત બાદ સ્થાનિક રહીશોમાં લાંબા સમયથી ચાલી રહેલી 'ઓવરસ્પીડ' વાહનોની સમસ્યાને લઈ રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ મૃતક વૃદ્ધાની લાશ હાઈવે પર જ મૂકીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. સ્થાનિકોએ હાઈવે પર મોટા પથ્થરો ખડકી દઈને ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને બંને તરફથી બ્લોક કરી દીધો હતો. વારંવાર સર્જાતા અકસ્માતો અને બેફામ દોડતા વાહનો સામે ગ્રામજનોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
પોલીસ કાફલો ઘટનાસ્થળે, ટ્રાફિક જામની સ્થિતિ
હાઈવે બ્લોક થવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે રોષે ભરાયેલા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિકોની માંગ છે કે આ વિસ્તારમાં વાહનોની ગતિ પર અંકુશ લાવવા માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો