android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Hormuz Strait સંકટ વચ્ચે ભારતનો રાજદ્વારી દાવ, ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે વિશ્વેશ નેગીની નિમણૂક

calendar_todayAugust 4, 2026

Hormuz Strait સંકટ વચ્ચે ભારતનો રાજદ્વારી દાવ, ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે વિશ્વેશ નેગીની નિમણૂક

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે વરિષ્ઠ રાજદ્વારી અધિકારી વિશ્વેશ નેગીને ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. વિદેશ મંત્રાલય (MEA)એ સોમવારે તેમની નિમણૂકની સત્તાવાર જાહેરાત કરી છે. 2002ની બેચના ભારતીય વિદેશ સેવા (IFS)ના અધિકારી વિશ્વેશ નેગી હાલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. 

હાલના રાજદૂત રુદ્ર ગૌરવ શ્રેષ્ઠનું સ્થાન લેશે

તેઓ ટૂંક સમયમાં તેહરાનમાં પોતાનો કાર્યભાર સંભાળશે અને હાલના રાજદૂત રુદ્ર ગૌરવ શ્રેષ્ઠનું સ્થાન લેશે. રુદ્ર ગૌરવ શ્રેષ્ઠને હવે તુર્કીમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિશ્વેશ નેગીને આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓનો લાંબો અનુભવ છે. હાલ તેઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સાથે ભારતના સંબંધોની જવાબદારી સંભાળી રહ્યા છે. અગાઉ તેઓ રક્ષા મંત્રાલયમાં આંતરરાષ્ટ્રીય સહકાર વિભાગના સંયુક્ત સચિવ તરીકે કાર્યરત હતા, જ્યાં તેમણે સંરક્ષણ કૂટનીતિ, આંતરરાષ્ટ્રીય સૈન્ય સહયોગ અને અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય ચર્ચાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે સંયુક્ત રાષ્ટ્રના રાજકીય વિભાગમાં નિર્દેશક તરીકે પણ સેવા આપી છે અને પાકિસ્તાન, ઓશિનિયા સહિત અનેક ક્ષેત્રોમાં રાજદ્વારી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે.

શું રહેશે પડકારો?

ભારત અને ઈરાન વચ્ચે ઊર્જા, વેપાર અને વ્યૂહાત્મક સહકારના મહત્વપૂર્ણ સંબંધો છે. આવી સ્થિતિમાં વિશ્વેશ નેગીની નિમણૂકને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક મહિનાથી સુરક્ષા પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવ, હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઉભા થયેલા પડકારો તથા ઊર્જા પુરવઠા અને વૈશ્વિક વેપાર પર પડતી અસર વચ્ચે ભારતે હંમેશા શાંતિ, સ્થિરતા અને સંવાદનો માર્ગ અપનાવવાની વકાલાત કરી છે. હવે નવા રાજદૂત તરીકે વિશ્વેશ નેગી ભારત-ઈરાન સંબંધોને વધુ મજબૂત બનાવવા અને પ્રાદેશિક પડકારો વચ્ચે રાજદ્વારી સંતુલન જાળવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો : Business In India: ભારતમાં નવો બિઝનેસ કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કયા રાજ્યો છે શ્રેષ્ઠ?