ઉત્તર પ્રદેશના IAS અધિકારી દિવ્યા મિત્તલના રાજીનામાની ચર્ચા દેશભરમાં છવાયેલી છે. લગભગ 13 વર્ષની સેવા બાદ તેમણે આજે રાજીનામું આપ્યું છે. જો કે તેમણે રાજીનામાનું કારણ હજુ સુધી સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. આ બધાની વચ્ચે એક ભાજપ નેતાના દાવાએ ભારે ખળભળાટ મચાવ્યો છે. BJPના પ્રવક્તા પ્રશાંત ઉમરાવે IAS અધિકારી દિવ્યા મિત્તલના રાજીનામાના કારણ અંગે એવો દાવો કર્યો છે કે સિવિલ સર્વિસ છોડતા પહેલાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે એક ‘ગુપ્ત’ મુલાકાત કરી હતી.
પ્રશાંત ઉમરાવે શું આક્ષેપ કર્યો?
X પરની એક પોસ્ટમાં ઉમરાવે આક્ષેપ કર્યો હતો કે IAS અધિકારી દિવ્યા મિત્તલે ‘અંધારામાં’ રાહુલ ગાંધી સાથે 'ગુપ્ત' મુલાકાત કર્યા બાદ રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે ઓચિંતા રાજીનામું આપવાનું આ પગલું આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલું છે. તેમણે દાવો કર્યો હતો કે તેમના રાજીનામાનો હેતુ રાજ્યમાં કોંગ્રેસ નેતાના રાજકીય એજન્ડાને આગળ વધારવાનો છે.
'દિવ્યા મિત્તલને જનપ્રતિનિધિઓ સાથે મતભેદો હતા'
BJPના પ્રવક્તા પ્રશાંત ઉમરાવે એ મિત્તલના વહીવટી કામકાજ પર પણ સવાલ ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે જે પણ જિલ્લાઓમાં તેમની પોસ્ટિંગ થઈ, ત્યાંના જનપ્રતિનિધિઓ સાથે હંમેશા તેમના મતભેદ રહ્યા. દિવ્યા મિત્તલ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકેની પોતાની પોસ્ટિંગથી ખુશ નહોતા અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કામ કર્યા બાદ ફિલ્ડ અસાઇનમેન્ટને પ્રાથમિકતા આપતા હતા. તેમણે મિત્તલ પર સરકારી યોજનાઓને પોતાની વ્યક્તિગત ઉપલબ્ધિ તરીકે રજૂ કરવાનો પણ આરોપ લગાવ્યો. મિર્ઝાપુરમાં તેમના કાર્યકાળનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પાણીની સપ્લાય સાથે જોડાયેલી એક સરકારી પહેલને દિવ્યા મિત્તલે પોતાની વ્યક્તિગત મહેનત તરીકે રજૂ કરી હતી અને ઘણીવાર વિકાસ કાર્યોના ઉદ્ઘાટનમાં સ્થાનિત નેતાઓને આમંત્રણ નહોતા અપાતા.
કોણ છે IAS દિવ્યા મિત્તલ?
દિવ્યા મિત્તલ મૂળ હરિયાણાના રેવાડીના વતની છે. તેમણે IIT Delhi માંથી B.Tech અને IIM Bengaluruથી MBA કર્યું છે. એ પછી લાખો રૂપિયાની નોકરી છોડીને તેમણે UPSCની તૈયારીઓ કરી અને વર્ષ 2012 માં પોતાના પ્રથમ પ્રયત્નમાં જ તેઓ IPS અને બીજા પ્રયત્નમાં 2013માં 68મા રેન્ક સાથે IAS બન્યા હતા. ઉત્તરપ્રદેશમાં 13 વર્ષની સેવા દરમિયાન અનેક વિસ્તારોમાં પોતાના કાર્યો માટે તેમણે નામના મેળવી હતી.