calendar_todayJanuary 24, 2026
ICGએ બાંગ્લાદેશથી ભારત આવી રહેલી સોપારીની દાણચોરી કરતી માછીમારી બોટને ઝડપી
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના ફ્રેઝરગંજ સ્ટેશન દ્વારા 22 જાન્યુઆરીના રોજ એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન બાંગ્લાદેશથી ભારત તરફ સોપારીની દાણચોરી કરતી ભારતીય માછીમારી બોટ IFB લક્ષ્મીનારાયણને પકડી પાડવામાં આવી હોવાની જાણકારી ભારતીય કોસ્ટ ગાર્ડે આપી છે.
સોપારીના કૂલ 52 કોથળા મળી આવ્યા
મળેલી ગુપ્તચર માહિતીના આધારે ICGની બોર્ડિંગ ટીમને તરત જ નિર્ધારિત સ્થળે મોકલવામાં આવી હતી, જ્યાં છોડી દેવામાં આવેલી માછીમારી બોટ મળી આવી અને તેને જપ્ત કરવામાં આવી હતી. બોટની સઘન તપાસ દરમિયાન તેમાંથી 50 કિલો વજનની સોપારીના કૂલ 52 કોથળા મળી આવ્યા હતા, જેનું કુલ વજન 2,600 કિલોગ્રામ થાય છે. પકડાયેલી IFB લક્ષ્મીનારાયણને બાદમાં ફ્રેઝરગંજ લાવવામાં આવી હતી અને બેનફિશ ફિશિંગ જેટી પર બર્થ કરવામાં આવી હતી. બોટ તેમજ જપ્ત કરાયેલા દાણચોરીનો માલ આગળની કાનૂની કાર્યવાહી માટે કોસ્ટલ પોલીસ સ્ટેશન, ફ્રેઝરગંજને સોંપવામાં આવ્યો છે.
દાણચોરીની પ્રવૃતિઓ પર ICGની બાજ નજર
ભારતીય કોસ્ટ ગાર્ડ અન્ય સમુદ્રી સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને દરિયાકાંઠા અને સમુદ્રી વિસ્તારોમાં ઊંચી ચેતવણી જાળવી રાખે છે, જેથી રાષ્ટ્રવિરોધી તત્વો (ANES) દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દાણચોરીને અટકાવી શકાય. ભારતીય કોસ્ટ ગાર્ડ દેશની સુરક્ષા તેમજ આર્થિક હિતોની રક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતા સાથે સતત કાર્યરત હોવાનું પણ નિવેદનમાં જણાવાયું છે.
આ પણ વાંચો : લેપટોપ Bomb સાથે 11,000 ફૂટે વિસ્ફોટ! ચમત્કાર એવો કે ફક્ત હુમલાખોરનું જ મોત