calendar_todayMarch 14, 2026
Income Tax વિભાગના એક ઈ-મેઈલે ટેક્સપેયર્સની ચિંતા વધારી! હવે આ મામલે કર્યું સ્પષ્ટીકરણ
દેશભરના અનેક ટેક્સપેયર્સને તાજેતરમાં ઈન્કમટેક્સ વિભાગ તરફથી એક ઓટોમેટેડ ઈમેઈલ મળ્યો હતો, જેમાં એસેસમેન્ટ ઈયર 2026-27 (નાણાકીય વર્ષ 2025-26) માટે ‘Significant Transactions’ એટલે કે મહત્વપૂર્ણ નાણાકીય લેવડદેવડ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઈમેઈલ મળતા જ ઘણા નોકરીયાત લોકો અને વેપારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ. મોટા લેવડદેવડની નોંધ દર્શાવતા આ મેસેજને કારણે અનેક લોકો પોતાના ટેક્સ રેકોર્ડ અંગે ચિંતિત બની ગયા.
ઈન્કમટેક્સ વિભાગે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી
પરંતુ હવે ઈન્કમટેક્સ વિભાગે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે આ ઈમેઈલમાં દર્શાવવામાં આવેલી ઘણી વિગતો ખોટી હતી. વિભાગે જણાવ્યું કે હાલ તેઓ એડવાન્સ ટેક્સ ઈ-કેમ્પેન ચલાવી રહ્યા છે. આ અભિયાન હેઠળ ટેક્સપેયર્સને તેમના મોટા નાણાકીય લેવડદેવડ અંગે યાદ અપાવવા માટે ઓટોમેટેડ ઈમેઈલ મોકલવામાં આવે છે, જેથી તેઓ સમયસર એડવાન્સ ટેક્સ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકે.
ટેક્નિકલ ખામી સર્જાતા થઈ ભૂલ
આ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા અનેક ટેક્સપેયર્સને તેમના નામે એવા આંકડા અને માહિતી દર્શાવતા ઈમેઈલ મળ્યા, જે હકીકતમાં તેમના લેવડદેવડ સાથે સંબંધિત નહોતા. પરિણામે, નિયમિત રીતે ટેક્સ ભરતા લોકોમાં પણ ગેરસમજ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ મામલો સામે આવતા જ વિભાગે તરત જ સ્પષ્ટતા જાહેર કરી અને ટેક્સપેયર્સનો આભાર માન્યો કે તેમણે સમયસર આ ભૂલ અંગે ધ્યાન દોર્યું.
વિભાગે જણાવ્યું કે તેઓ સર્વિસ પ્રોવાઈડર સાથે મળીને આ ટેકનિકલ ખામી દૂર કરવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. સાથે જ ટેક્સપેયર્સને અપીલ કરવામાં આવી છે કે તેઓ એસેસમેન્ટ વર્ષ 2026-27 માટે મોકલાયેલા તે ભ્રામક ઈમેઈલને સંપૂર્ણ રીતે અવગણ કરે અને તેના આધારે કોઈ પગલું ન ભરે.
આ પણ વાંચો : SEBI ચેરમને કહ્યું 'દેશમાં મૂડી બજારો સતત વધી રહ્યા છે અને મજબૂત થઈ રહ્યા છે'