calendar_todayOctober 26, 2026
India: 8 વર્ષ જૂની કાનૂની લડાઈનો માત્ર 16 મિનિટમાં અંત! અમિત શાહ પરના નિવેદન કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશની સુલતાનપુર સ્થિત સ્પેશિયલ MP-MLA કોર્ટે ૮ વર્ષ જૂના ફોજદારી બદનક્ષીના કેસમાં સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ ૨૦૧૮ માં ચૂંટણી રેલી દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણી બદલ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સોમવારે રાહુલ ગાંધી પોતે સુલતાનપુર કોર્ટમાં હાજર રહ્યા હતા અને અદાલતે માત્ર ૧૬ મિનિટની કાર્યવાહીમાં આ મોટો ચુકાદો સંભળાવ્યો હતો. ફેંસલો આવતાં જ કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો અને કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.
કોર્ટે કયા 3 મુખ્ય આધારો પર રાહુલ ગાંધીને મુક્ત કર્યા?
અદાલતે બંને પક્ષોની દલીલો, સાક્ષીઓ અને કાયદાકીય જોગવાઈઓની ચકાસણી કરીને નીચે મુજબના ૩ નિર્ણાયક આધારો ધ્યાને લીધા હતા.ફરિયાદીની કાનૂની યોગ્યતા (Locus Standi) નો અભાવ, કોર્ટે અવલોકન કર્યું કે ફરિયાદ નોંધાવનાર ભાજપ નેતા વિજય મિશ્રા પોતે આ નિવેદનથી સીધા ભોગ બનનાર પક્ષ (Aggrieved Party) નહોતા. કાયદાકીય રીતે બદનક્ષીના કેસમાં જે વ્યક્તિની પ્રતિષ્ઠાને સીધું નુકસાન પહોંચ્યું હોય તે જ ફરિયાદ દાખલ કરી શકે છે, જેથી ફરિયાદીની કાનૂની પાત્રતા સામે પ્રશ્ન ઊભો થયો હતો.
સાક્ષીઓના નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ અને પુરાવાની અછત
ફરિયાદી પક્ષ પોતાના આરોપોને 'વાજબી શંકાથી પર' સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા સાક્ષીઓના નિવેદનોમાં પરસ્પર ગંભીર વિરોધાભાસ જોવા મળ્યો હતો અને જરૂરી સાક્ષીઓને યોગ્ય રીતે રજૂ કરાયા નહોતા.
ચૂંટણી રેલીનું નિવેદન – બદનક્ષીભર્યો ઈરાદો પુરવાર ન થયો
કોર્ટે નોંધ્યું કે આ નિવેદન કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન એક જાહેર રાજકીય સભામાં આપવામાં આવ્યું હતું. સમગ્ર સંદર્ભને જોતાં તેને બદનક્ષીના ઇરાદાપૂર્વકના કૃત્ય તરીકે ગણવા માટે પૂરતા કાયદાકીય પુરાવા મળ્યા નહોતા.
શું હતો 2018 નો સમગ્ર મામલો?
વર્ષ 2018 માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભામાં રાહુલ ગાંધીએ તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, "ભારતમાં લોકો ભૂલી જાય છે કે ભાજપના પ્રમુખ હત્યાના આરોપી છે. તે જ સત્ય છે."આ નિવેદનને અમિત શાહની પ્રતિષ્ઠા વિરુદ્ધ ગણાવીને ઓગસ્ટ ૨૦૧૮ માં સ્થાનિક ભાજપ નેતા વિજય મિશ્રાએ સુલતાનપુર કોર્ટમાં ફોજદારી માનહાનિની ફરિયાદ નોંધાવી હતી.આ કેસ 8 વર્ષ સુધી ચાલ્યો હતો. હવે સ્પેશિયલ કોર્ટે રાહુલ ગાંધીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે, જ્યારે ફરિયાદી પક્ષે આદેશની નકલ મળ્યા બાદ ઉપલી અદાલતમાં અપીલ કરવાની તૈયારી દર્શાવી છે.
કોંગ્રેસનો ‘સત્યમેવ જયતે’ નારો, ભાજપનો વળતો પ્રહાર
ફેંસલા બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસ નેતા પવન ખેરા: તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ 'સત્યમેવ જયતે' નો વિજય છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં માત્ર તથ્યો રજૂ કર્યા હતા અને અદાલતે તે સ્વીકાર્યા છે. તેમણે વળતો વાર કરતાં જણાવ્યું કે અદાલતી નિર્ણય ભલે આવ્યો હોય, પરંતુ દેશના લોકો વરિષ્ઠ નેતાઓ સામે કરાયેલા આવા અનાદરને ક્યારેય ભૂલશે નહીં અને રાજકીય રીતે સજા આપશે.
અકસ્માત મામલે SIT તપાસ
સોમવારે સવારે જ્યારે રાહુલ ગાંધી સુલતાનપુર કોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે પૂર્વાંચલ એક્સપ્રેસવે પર તેમના સુરક્ષા કાફલામાં સામેના વાહને અચાનક બ્રેક લગાવતાં પાછળ રહેલાં ૫ વાહનો (એમ્બ્યુલન્સ સહિત) એકબીજા સાથે અથડાઈ ગયા હતા. રાહુલ ગાંધીના વાહનને કોઈ નુકસાન થયું નહોતું અને તેઓ સુરક્ષિત રહ્યા હતા. આ અકસ્માત પાછળ કોઈ સુરક્ષા ક્ષતિ હતી કે અન્ય કારણ, તેની સઘન તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો: New Delhi: સુપ્રીમ કોર્ટમાં ECI નું સોગંદનામું; 'SIR ના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા