android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
India News: ઓપરેશન ટ્રાઇડન્ટે ડ્રગ્સ માફિયાઓની કમર તોડી, 3 રાજ્યોમાં 38 સ્થળોએ દરોડા, 1,424 બેંક ખાતાં ફ્રીઝ

calendar_todayOctober 25, 2026

India News: ઓપરેશન ટ્રાઇડન્ટે ડ્રગ્સ માફિયાઓની કમર તોડી, 3 રાજ્યોમાં 38 સ્થળોએ દરોડા, 1,424 બેંક ખાતાં ફ્રીઝ

કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને અસમ, મિઝોરમ તથા મણિપુરની પોલીસ દ્વારા 23 ઓક્ટોબરના રોજ દેશવ્યાપી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામે સંયુક્ત રીતે એક વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી અંતર્ગત પૂર્વોત્તરના આ ત્રણેય સરહદી રાજ્યોમાં ફેલાયેલા શંકાસ્પદ તત્વોના 38 જેટલા ઠેકાણાઓ પર સુરક્ષા દળોએ એક સાથે દરોડા પાડીને તવાઈ બોલાવી હતી. આ સંગઠિત સિન્ડિકેટ ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદોનો દુરુપયોગ કરીને નશીલા દ્રવ્યોની મોટા પાયે હેરાફેરી ચલાવતી હતી. જેને સુરક્ષા દળો દ્વારા ‘ડેથ ટ્રાયેંગલ કોરિડોર’ તરીકે ઓળખવામાં આવે છે. આ સરહદી માર્ગો પરથી ચાલતી ગેરકાયદે હેરાફેરી માત્ર ડ્રગ્સની હેરાફેરી પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર દેશની આંતરિક સુરક્ષા માટે પણ ગંભીર ખતરો ઊભો કરી રહી હતી. 

17.82 કરોડની સ્થાવર-જંગમ સંપત્તિઓ ટાંચમાં લીધી

આ દરોડા દરમિયાન વિવિધ સ્થળોએથી ઝડપાયેલા 18 આરોપીઓની વ્યક્તિગત સંડોવણી, તેમની ગુનાહિત ભૂમિકા અને તેમની સામે ઉપલબ્ધ પુરાવાઓની હાલ ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ આ સમગ્ર સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે સરહદ પારથી શરૂ થતી સપ્લાય ચેઇન અને તેની પાછળ સક્રિય મુખ્ય માસ્ટરમાઇન્ડ્સની કડીઓ જોડી રહી છે. જેથી ત્રણેય રાજ્યોમાં સક્રિય સ્થાનિક સહયોગીઓની ઓળખ પણ સ્પષ્ટ થઈ શકે. ઓપરેશન ટ્રાઇડેન્ટનું સૌથી મોટું અને અસરકારક પાસું આ ગેરકાયદે ડ્રગ્સ કાર્ટેલના નાણાકીય માળખા પર કરવામાં આવેલો જોરદાર પ્રહાર છે. તપાસ દરમિયાન એજન્સીઓને આશરે રૂ. 100 કરોડના શંકાસ્પદ હવાલા વ્યવહારો થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ કાળા કારોબારની આર્થિક કમર તોડવાના હેતુથી એજન્સીઓએ ત્વરિત પગલાં ભરીને 1,424 જેટલા બેન્ક ખાતા સીઝ કરી દીધા છે અને ગેરકાયદે કમાણીમાંથી ઊભી કરાયેલી રૂ. 17.82 કરોડની સ્થાવર-જંગમ સંપત્તિઓ ટાંચમાં લીધી છે. 

Amit shah

ઓપરેશન ટ્રાઇડન્ટ' દ્વારા ડ્રગ્સ સામે વધુ એક ઘાતક પ્રહાર

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, મોદી સરકારે 'ઓપરેશન ટ્રાઇડન્ટ' દ્વારા ડ્રગ્સ સામે વધુ એક ઘાતક પ્રહાર કર્યો છે. તપાસ એજન્સીઓએ 23 ઓક્ટોબરના રોજ આસામ, મિઝોરમ અને મણિપુરમાં 38 સ્થળો પર એકસાથે દરોડા પાડીને આંતરરાષ્ટ્રીય નાર્કો-કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો. આ ઓપરેશન દરમિયાન રૂ. 100 કરોડના હવાલા વ્યવહારોનો ખુલાસો થયો છે, 1424 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે, રૂ. 17.82 કરોડની મિલકતો ટાંચમાં લેવાઈ છે, 500 ડેટોનેટર અને રૂ. 12 લાખ રોકડા જપ્ત કરાયા છે તેમજ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ નેટવર્ક 'ડેથ ટ્રાયંગલ કોરિડોર' મારફતે ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશની સરહદો પરથી નશીલા પદાર્થોની તસ્કરી કરતું હતું. આ આક્રમક કાર્યવાહી 31 ડિસેમ્બર 2029 સુધીમાં દરેક ડ્રગ્સ નેટવર્કને જડમૂળથી નાબૂદ કરવાના મિશનને સાકાર કરવા માટે ભારતના હિમાલય જેવા દ્રઢ સંકલ્પને દર્શાવે છે.

38 સ્થળોની તપાસમાંથી 500 ડેટોનેટર પણ જપ્ત કરાયા

આ ઉપરાંત સ્થળ પર હાથ ધરાયેલી તપાસ દરમિયાન રૂ. 12 લાખની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. આ સંયુક્ત દરોડા દરમિયાન 38 સ્થળોની તપાસમાંથી 500 ડેટોનેટર પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર તપાસનો વ્યાપ માત્ર ડ્રગ્સ પૂરતો મર્યાદિત ન રહેતા અન્ય સુરક્ષા પાસાઓ તરફ પણ વિસ્તર્યો છે. આ વિસ્ફોટક ડેટોનેટર્સ ક્યાંથી મેળવવામાં આવ્યા હતા અને તેને સંગ્રહિત કરવાનો વાસ્તવિક હેતુ શું હતો, તે દિશામાં સુરક્ષા દળો સઘન પૂછપરછ કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ ડેટોનેટરનો ઉપયોગ કોઈ ચોક્કસ હિંસક ઘટના માટે થવાનો હતો કે કેમ તે અંગે કોઈ અંતિમ તારણ પર પહોંચી શકાયું નથી, પરંતુ તેની હાજરીએ સુરક્ષા ચિંતાઓમાં વધારો કર્યો છે. આ સમગ્ર અભિયાન દેશમાંથી 31 ડિસેમ્બર, 2029 સુધીમાં તમામ ગેરકાયદે નશાના નેટવર્કને જડમૂળથી ખતમ કરવાના રાષ્ટ્રીય લક્ષ્યાંક સાથે જોડાયેલું એક મહત્વપૂર્ણ કદમ છે. 

આ પણ વાંચોઃ Price Hike : દિવાળી પર્વ પહેલાં જ પ્રજા પર મોંઘવારીનો વધુ એક પ્રહાર, ફટાકડાના ભાવમાં થયો 25 ટકા સુધીનો અધધ વધારો!