calendar_todayOctober 25, 2026
Indiaના ઑટોરિક્ષાએ જીત્યું વિદેશી કપલનું દિલ, હવે UKમાં દોડશે લાલ ટુક-ટુક
ભારતમાં ફરવા આવતા વિદેશી પ્રવાસીઓ સામાન્ય રીતે ટેક્સી, બસ અથવા ભાડાની કારથી મુસાફરી કરે છે. પરંતુ બ્રિટનના હેલેન અને મિકે પોતાનો અલગ રસ્તો પસંદ કર્યો. તેમણે ચેન્નાઈમાં લાલ રંગનું ઑટોરિક્ષા ખરીદ્યું અને તેનું નામ રાખ્યું 'ટિમ્મી ધ ટિન કેન'. આ ઑટોરિક્ષાનો લુક પણ ઘણો રસપ્રદ છે. તેના આગળના ભાગમાં કાર્ટૂન જેવી આંખો અને હસતો ચહેરો બનાવવામાં આવ્યો છે. આ ઑટો તમિલનાડુના ચેન્નાઈમાં રજિસ્ટર્ડ છે. બ્રિટિશ કપલ હેલેન અને મિક માટે ધીમે-ધીમે આ ઑટો માત્ર મુસાફરીનું સાધન નહીં, પરંતુ તેમની સફરનો સૌથી ખાસ સાથી બની ગયો. ભારતની મુસાફરી પૂરી કરીને જ્યારે તેઓ UK પહોંચ્યાં, ત્યારે પોતાના પ્રિય ઑટોરિક્ષાને પણ જહાજ દ્વારા સાથે લઈ ગયાં.
ઓટોથી ફર્યા, સોશિયલ મીડિયા પર પણ સફરની તસવીરો શેર કરી
હેલેન અને મિકે પોતાના લાલ ઓટોના નામે ઇન્સ્ટાગ્રામ પર ‘timmy_the_tin_can’ એકાઉન્ટ બનાવ્યું. અહીં તેઓ પોતાની સફરના વીડિયો અને તસવીરો શેર કરવા લાગ્યા. ધીમે ધીમે લોકોમાં પણ તેમની સફર પ્રત્યે રસ વધવા લાગ્યો. આ કપલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 9 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેમની પોસ્ટમાં ક્યાંક રસ્તા પર દોડતો ટિમ્મી જોવા મળે છે, તો ક્યાંક તેની સાથે વિતાવેલી ખાસ પળોની ઝલક જોવા મળે છે. ભારતના રસ્તાઓ પર આ રીતે ઓટોથી ફરવું તેમના માટે એક અલગ જ અનુભવ રહ્યો.
==
રાજસ્થાનથી ગોવા સુધી 4,218 કિલોમીટરની સફર
આ કપલે પોતાના ઓટોથી ભારતના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લીધી. તેમની સફરમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દક્ષિણ ભારતનાં અનેક સ્થળો સામેલ હતાં. તેઓ આગ્રા પહોંચ્યા અને તાજમહેલની મુલાકાત પણ લીધી. આ ઉપરાંત તેઓ પોતાના ઓટોથી ગોવાના દરિયાકિનારા સુધી પણ પહોંચ્યા. આ દરમિયાન તેમણે લગભગ 4,218 કિલોમીટરનું અંતર કાપ્યું. સમગ્ર સફરમાં ટિમ્મી તેમની સાથે રહ્યો. ક્યારેક શહેરોની ભીડભાડવાળા રસ્તાઓ પર તો ક્યારેક લાંબા હાઇવે પર દોડતો આ ઓટો તેમની સફરની ખાસ ઓળખ બની ગયો.
ભારત છોડતી વખતે ટિમ્મીને અલવિદા કહેવું મુશ્કેલ બન્યું
કોઈ જગ્યાએ ફરવા જઈએ ત્યારે ત્યાંની યાદો આપણી સાથે રહે છે, પરંતુ હેલેન અને મિક માટે ભારતની યાદો સાથે એક ઓટો પણ જોડાઈ ગયો. અનેક અઠવાડિયાં સુધી સાથે સફર કર્યા બાદ ટિમ્મી તેમના માટે માત્ર એક વાહન નથી રહ્યું. જ્યારે બ્રિટન પાછા જવાનો સમય આવ્યો, ત્યારે તેને ભારતમાં છોડીને જવું તેમના માટે સરળ નહોતું. તેથી કપલે તેને પોતાની સાથે યુકે લઈ જવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ ઓટોને દરિયાઈ માર્ગે મોકલવાની તૈયારી કરવામાં આવી.
==
લાકડાના મોટા બોક્સમાં પેક થઈને લંડન પહોંચ્યો ટિમ્મી
ટિમ્મીને ભારતથી બ્રિટન પહોંચાડવા માટે દરિયાઈ માલવહનનો સહારો લેવામાં આવ્યો. લગભગ છ મહિનાની શિપિંગ બાદ 23 ઓક્ટોબર, 2026ના રોજ ઓટો લંડન ગેટવે પોર્ટ પર પહોંચ્યો. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કપલ લાકડાના મોટા બોક્સમાંથી પોતાના લાલ ઓટોને બહાર કાઢતું જોવા મળે છે. લાંબી રાહ જોયા બાદ ટિમ્મીને ફરી સામે જોઈને તેમની ખુશી સ્પષ્ટ દેખાય છે. હવે આ વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
સીઝન-1 પૂર્ણ, હવે બ્રિટનનો વારો
કપલે પોતાની પોસ્ટમાં ભારતની સફરને યાદ કરતાં જણાવ્યું કે તેમના માટે આ અનુભવ ખૂબ જ ભાવુક રહ્યો. તેમણે 75 દિવસમાં 4,218 કિલોમીટરની સફર પૂરી કરી અને એવી યાદો બનાવી, જેને તેઓ ક્યારેય ભૂલવા માગતા નથી. તેમના જણાવ્યા મુજબ, ટિમ્મીએ તેમની જિંદગીને એક અલગ જ અનુભવ આપ્યો. હવે તેમણે પોતાની સફરના આગામી ભાગનો સંકેત પણ આપ્યો છે. ભારતમાં ટિમ્મી સાથેની તેમની કહાનીનો પહેલો ભાગ પૂર્ણ થઈ ગયો છે, જ્યારે હવે આગામી સફર બ્રિટનમાં શરૂ થવાની છે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d