calendar_todayJanuary 25, 2026
India Us Relation: ભારત સાથે સંબંધો સુધારવા Trump ની પહેલ, ટ્રમ્પ સ્પેશ્યિલ ટીમ મોકલી દિલ્હી
વૈશ્વિક રાજકારણમાં બદલાતા સમીકરણો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક મહત્વનું પગલું ઉઠાવ્યું છે. ટ્રમ્પે ત્રણ સભ્યોના ઉચ્ચ સ્તરીય અમેરિકી કોંગ્રેસી પ્રતિનિધિમંડળને ભારત મોકલ્યું છે, જેણે રવિવારે નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા
આ બેઠકનો મુખ્ય હેતુ ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરી વેપાર અને સુરક્ષાના ક્ષેત્રમાં નવી ભાગીદારી શરૂ કરવાનો રહ્યો હતો. બેઠકમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોર ઉપરાંત અમેરિકી કોંગ્રેસના સભ્યો જિમી પેટ્રોનિસ, માઈક રોજર્સ અને એડમ સ્મિથ ઉપસ્થિત રહ્યા હતા.
વિદેશમંત્રી એસ.જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી
બેઠક બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે, અમેરિકી ટીમ સાથે નીચે મુજબના ગંભીર મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું. ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર: આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવા અંગે સહયોગ. વૈશ્વિક સ્તરે યુક્રેન યુદ્ધની અસરો અને ભારતના વલણ અંગે ચર્ચા. મહત્વપૂર્ણ ટેકનોલોજીના આદાન-પ્રદાન અને દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો.
સંબંધોમાં નવો અધ્યાય
નિષ્ણાતો માને છે કે જ્યારે અમેરિકાને સમજાયું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત કોઈ દબાણ સામે ઝૂકવાનું નથી, ત્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે સમાધાનકારી માર્ગ અપનાવ્યો છે. અમેરિકી રાજદૂતે આ બેઠકને અત્યંત ઉત્પાદક ગણાવી હતી. બંને દેશો હવે જૂના વિવાદો છોડીને ડિફેન્સ અને ક્રિટિકલ ટેકનોલોજીમાં એકબીજાના પૂરક બનવા તરફ આગળ વધી રહ્યા છે.
આ પણ વાંચોઃ Manali જવાનું વિચારી રહ્યા હોવ તો થોભી જજો!, પ્લાન બનાવતા પહેલા વાંચી લો આ સમાચાર