calendar_todayJanuary 15, 2026
Indian Army Day News : 15 જાન્યુઆરી ઈન્ડિયન આર્મી ડે, "સેવા પરમો ધર્મના” સૂત્રને સાર્થક કરતી ઈન્ડિયન આર્મી
સૈનિકોના બલિદાન, શૌર્ય અને સમર્પણને સન્માન આપવા માટે દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ ભારતીય આર્મી ડે ઉજવવામાં આવે છે. પરંતુ આ ખાસ દિવસ માટે 15 જાન્યુઆરીની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી છે, તે વિશે બહુ ઓછા લોકો જાણે છે.
આર્મી ડે શા માટે ઉજવવામાં આવે છે?
15 જાન્યુઆરી 1949ના રોજ એક ઐતિહાસિક ઘટના ઘટી હતી. આ દિવસે જનરલ કેએમ કરિયપ્પાએ બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ સર એફઆરઆર બુચર પાસેથી ભારતીય સેનાની કમાન સંભાળી હતી. આ સાથે જ જનરલ કરિયપ્પા સ્વતંત્ર ભારતનાં પ્રથમ ભારતીય કમાન્ડર-ઇન-ચીફ બન્યાં હતાં. બાદમાં તેમને ફિલ્ડ માર્શલનું ગૌરવસભર પદ પણ મળ્યું. આ ઐતિહાસિક ક્ષણની યાદમાં 15 જાન્યુઆરીને આર્મી ડે તરીકે ઉજવવામાં આવે છે.
ભારતીય સેનાનો ઐતિહાસિક પ્રવાસ
ભારતીય સેનાની શરૂઆત ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેના તરીકે થઈ હતી. બાદમાં તે બ્રિટિશ ઇન્ડિયન આર્મી અને રજવાડી સેનાઓ તરીકે ઓળખાઈ. 1947માં ભારત સ્વતંત્ર બન્યાં પછી, 1949માં ભારતીય સેના સંપૂર્ણપણે રાષ્ટ્રીય સેનામાં રૂપાંતરિત થઈ. ત્યારથી લઈને આજ સુધી ભારતીય સેના દરેક યુદ્ધ અને સંકટકાળમાં દેશની ઢાલ બનીને ઊભી રહી છે.
ભારતીય સેનાની તાકાત
આજનાં સમયમાં ભારતીય સેના વૈશ્વિક સ્તરે પોતાની શક્તિ માટે ઓળખાય છે. ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ અનુસાર ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના છે. 145 દેશોની યાદીમાં ભારત ટોચનાં પાંચમાં સ્થાન ધરાવે છે. સંખ્યાની દૃષ્ટિએ, ભારતીય સેના પાસે ૧.૨ કરોડથી વધુ સક્રિય સૈનિકો છે. આધુનિક હથિયારો, ટેક્નોલોજી અને વ્યૂહરચનામાં ભારતીય સેના સતત આગળ વધી રહી છે, જેનું દ્રષ્ટાંત તાજેતરનાં સૈન્ય અભિયાનોથી જોવા મળે છે.
ભારતીય આર્મી ડેનું મહત્વ
આર્મી ડે માત્ર એક ઉજવણી નથી, પરંતુ તે ભારતીય સેનાની શૂરવીરતા, આત્મનિર્ભરતા અને વ્યાવસાયિક ક્ષમતાનું પ્રતિક છે. આ દિવસ 1947 પછી સ્વતંત્ર ભારતની સુરક્ષામાં સેનાની અમૂલ્ય ભૂમિકાને યાદ કરાવે છે અને દેશના દરેક નાગરિકના દિલમાં સેનાપ્રત્યે ગૌરવ અને આદરની લાગણી જગાવે છે.
આર્મી ડે કેવી રીતે ઉજવવામાં આવે છે?
આર્મી ડેના અવસર પર દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. સૈનિકોના બલિદાનને યાદ કરવામાં આવે છે, શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને સેનાની શક્તિ દર્શાવતા પરેડ તથા પ્રદર્શન યોજાય છે. આ દિવસ ભારતીય સેનાની નિઃસ્વાર્થ સેવા અને દેશપ્રેમને સમર્પિત હોય છે. 15 જાન્યુઆરીનો દિવસ ભારતીય ઇતિહાસમાં ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. આર્મી ડે આપણને યાદ અપાવે છે કે દેશની સુરક્ષા માટે અડગ ઉભેલા સૈનિકોના કારણે જ આપણે સુરક્ષિત જીવન જીવી રહ્યાં છીએ. ભારતીય સેના ખરેખર “સેવા પરમો ધર્મઃ”ના સિદ્ધાંતને જીવંત રાખે છે.
માહિતી સંકલન :- રાજેશ કુમાર ભીંડી