calendar_todayJanuary 5, 2026
Indian Railway News: રેલવેમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે મોટાં સમાચાર, દિલ્હીથી સોમનાથ ગરવી ગુજરાત ટ્રેન થશે શરૂ
ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલવે અને IRCTC દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. આગામી 13 જાન્યુઆરીથી દિલ્હીથી ખાસ 'ગરવી ગુજરાત' પ્રવાસી ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ટ્રેન પ્રવાસીઓને આઠ દિવસની યાદગાર સફર કરાવશે. જેમાં ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ખાસ ટૂર પેકેજ કરાશે ઓફર
આ ટૂર પેકેજ અંતર્ગત પ્રવાસીઓ દેવભૂમિ દ્વારકા, ભગવાન ભોળાનાથનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, અને પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે. ધાર્મિક સ્થળો ઉપરાંત, આ સફરમાં આધુનિક ભારતની ઓળખ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરનો પણ વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યનો નજારો માણી શકાશે
પ્રવાસીઓને ગુજરાતના સ્થાપત્ય કલાના દર્શન કરાવવા માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણી કી વાવ, અદ્ભુત મોઢેરા સૂર્ય મંદિર અને અમદાવાદનો ઐતિહાસિક સાબરમતી આશ્રમ બતાવવામાં આવશે. આ સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના દરિયાકિનારા અને કિલ્લાની મુલાકાત પણ પ્રવાસને રોમાંચક બનાવશે.
ખર્ચ અને સુવિધાઓ વિશે વિગતો
IRCTC દ્વારા આયોજિત આ પ્રવાસ માટે અંદાજિત ખર્ચ વ્યક્તિદીઠ 80 હજારથી 1 લાખ રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે. આ રકમમાં પ્રવાસીઓને ટ્રેનમાં રહેવા-જમવાની સુવિધા, એસી કોચ, હોટલ રોકાણ અને સ્થળ પર પરિવહનની તમામ સેવાઓ પૂરી પાડવામાં આવશે.આ ટ્રેન માત્ર પ્રવાસ નથી, પરંતુ ગુજરાતની અસ્મિતા અને પરંપરાને માણવાની એક સુવર્ણ તક છે.