calendar_todayJanuary 5, 2026
Iran Violent Protest : ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર, વિરોધ પ્રદર્શન કે ભીડ વાળા વિસ્તારમાં જવાથી બચવાની સલાહ
ઈરાનમાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શન છેલ્લા એક અઠવાડિયામાં હિંસક બની ગયા છે. આ બનાવોની વચ્ચે ઘણા લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. સ્થિતિને જોતા ભારત સરકારે પોતાના નાગરિકો માટે ઈરાનને લઈને ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.
ભારતીયો તાત્કાલિક આ કામ કરી લો
વિદેશ મંત્રાલયે સોમવારે ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે આગામી આદેશ સુધી ઈરાનની બિન-જરૂરી યાત્રા કરવાથી બચો. મંત્રાલયે કહ્યું કે જે ભારતીય નાગરિક અને પીઆઈઓ પહેલાથી ઈરાનમાં હાજર છે, તે પુરી રીતે સાવધાની રાખે. વિરોધ પ્રદર્શન કે ભીડ વાળા વિસ્તારમાં જવાથી બચો અને સ્થાનિક સ્થિતિ પર નજર રાખો. તેની સાથે જ તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસની વેબસાઈટ અને સોશિયલ મીડિયા અપડેટને નિયમિત રીતે જોવા માટેની પણ સલાહ આપવામાં આવી છે. ઈરાનમાં રેજિડેન્ટ વીઝા પર રહેતા ભારતીયોને કહેવામાં આવ્યું કે જો તેમને અત્યાર સુધી દૂતાવાસમાં રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તો તાત્કાલિક આ કામ કરી લો.
અત્યાર સુધી 16 લોકોના મોત
માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે ઈરાનમાં છેલ્લા એક અઠવાડિયાના વિરોધ પ્રદર્શનો દરમિયાન ઓછામાં ઓછા 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ પ્રદર્શન વધતી મોંઘવારીની વિરૂદ્ધ શરૂ થયા હતા, જે હવે કેટલાક પ્રાંતોમાં ફેલાઈ ગયા છે. પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળોની વચ્ચે હિંસક હુમલાઓ થયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષમાં ઈરાનમાં આ સૌથી મોટું વિરોધ પ્રદર્શન છે. આ અસ્થિરતા એવા સમયે સામે આવી છે, જ્યારે ઈરાનની અર્થવ્યવસ્થા ગંભીર સંકટમાં છે અને આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધી રહ્યું છે. સ્થિતિને જોતા ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આ એડવાઈઝરી જાહેર કરી છે.