calendar_todayMay 14, 2026
Iran War: હાજી અલી જહાજ પર ડ્રોન હુમલા મામલે ભારત સરકાર લાલઘૂમ! જાણો શું કહ્યું?
આંતરરાષ્ટ્રીય જળસીમામાં ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઓમાનના દરિયાકાંઠે ભારતનું એક માલવાહક જહાજ 'હાજી અલી' (MSV HAJI ALI BDI 1492) ડ્રોન હુમલાનો શિકાર બન્યું છે. આ હુમલો એટલો ભીષણ હતો કે, જહાજમાં આગ લાગ્યા બાદ તે સંપૂર્ણપણે સમુદ્રમાં ડૂબી ગયું છે.
ગુજરાતના 14 ખલાસીઓનો બચાવ
આ જહાજ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે. જહાજ સોમાલિયાના બરબરાથી શારજાહ જઈ રહ્યું હતું, ત્યારે 13 મેની વહેલી સવારે તેના પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. જહાજ પર સવાર તમામ 14 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. ઓમાન કોસ્ટ ગાર્ડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે, અને હાલ તેઓને દીબા બંદરે રાખવામાં આવ્યા છે.
આક્રમક મૂડમાં ભારતનું વિદેશ મંત્રાલય
આ ઘટના અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા આ હુમલાને 'અસ્વીકાર્ય' ગણાવવામાં આવ્યો છે. આ સાથે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, વ્યાપારી જહાજો અને નિર્દોષ નાવિકો પર વારંવાર થતા આવા હુમલાઓ ભારત સાંખી લેશે નહીં. દરિયાઈ વ્યાપારની સુરક્ષા અને નાગરિકોના જીવ જોખમમાં મૂકવા એ ગંભીર બાબત છે.
https://x.com/MEAIndia/status/2054838437652709585
શિપિંગ ઉદ્યોગ પર સંકટના વાદળો
છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતના જહાજ સાથે બનેલી આ બીજી મોટી ઘટના છે. આ અગાઉ 'અલ ફેજ નૂર સુલેમાની-1' જહાજ પણ ઈરાન અને અમેરિકા વચ્ચેના ગોળીબારમાં ડૂબી ગયું હતું. હાલ ઓમાન પોલીસ આ હુમલા પાછળ કોનો હાથ છે તેની તપાસ કરી રહી છે.