calendar_todayJuly 31, 2026
Jam Khambhaliyaના ઠક્કર હોસ્પિટલ પર તબીબી બેદરકારીનો ગંભીર આરોપ, ડિલિવરી બાદ માતા અને નવજાત બાળકનું મોત
જામ ખંભાળિયાની ખાનગી ઠક્કર હોસ્પિટલમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં તબીબી બેદરકારીના કારણે પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળક બંનેના મોત નિપજ્યા હોવાનો પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યો છે. કોઠા વિસોત્રી ગામના 34 વર્ષીય વિજુબેન પ્રદીપભાઈ ભાટુને પ્રસૂતિની પીડા ઉપડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિલિવરી દરમિયાન નવજાત બાળકનો મૃત હાલતમાં જન્મ થયો હતો અને ત્યારબાદ માતાની તબિયત પણ વધુ લથડતાં તેમનું પણ પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું.
મુખ્ય ડૉક્ટર ગેરહાજર હોવાનો પરિવારનો આક્ષેપ
મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જ્યારે વિજુબેનને પ્રસૂતિની તીવ્ર પીડા થઈ રહી હતી ત્યારે હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર ગેરહાજર રહી બહાર જતા રહ્યા હતા. મુખ્ય ડૉક્ટરની ગેરહાજરીમાં અન્ય હોસ્પિટલના મહિલા ડૉક્ટરને બોલાવીને ડિલિવરી કરાવવામાં આવી હતી. યોગ્ય સારવાર અને સમયસર મુખ્ય તબીબ ઉપસ્થિત ન રહેવાના કારણે જ માતા અને બાળક બંનેએ જીવ ગુમાવ્યો હોવાનો પરિવારજનોએ ગંભીર દાવો કર્યો છે.
હોસ્પિટલ બહાર ટોળાં એકઠા થયા, પોલીસે તપાસ હાથ ધરી
એકસાથે માતા અને નવજાત બાળકના કરૂણ મોતથી પરિવારમાં ભારે આક્રંદ અને સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઠક્કર હોસ્પિટલ ખાતે પરિવારજનો અને સગા-સંબંધીઓના મોટા પાયે ટોળાં એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં જ જામ ખંભાળિયા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે માતા અને બાળકના મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.