calendar_todayMay 2, 2026
Jamnagar : હવે છોટી કાશીની ઓળખમાં ઉમેરાયા આધુનિકતાના નવા આયામ, 1200 કરોડના વિકાસકાર્યોથી શહેરનો કાયાકલ્પ
ઐતિહાસિક રીતે 'છોટી કાશી' તરીકે ઓળખાતું જામનગર શહેર હવે આધુનિકતાના પંથે હરણફાળ ભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જામનગરના આંતરમાળખાને અત્યંત મજબૂત બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. છેલ્લા ત્રણ દાયકાના સુવ્યવસ્થિત આયોજન અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિકાસકાર્યોને કારણે આજે જામનગર ગુજરાતના અન્ય અદ્યતન મહાનગરોની હરોળમાં ગર્વભેર ઊભું છે.
₹1200 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે
શહેરી વિકાસ વર્ષ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા આશરે ₹1200 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને ગતિ આપવામાં આવી છે. જામનગરની ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે રિંગ રોડ પર આવેલા લાલપુર અને ઠેબા ચોકડી ખાતે ભવ્ય ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે. આ બ્રિજ તૈયાર થવાથી વાહનચાલકોના સમયની બચત થશે અને પરિવહન સુગમ બનશે. આ ઉપરાંત, શહેરના સાંસ્કૃતિક વારસાને વેગ આપવા માટે 1250 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ઓડિટોરિયમ પણ આકાર લઈ રહ્યું છે.
આગામી 25 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્લાન
રમતગમત ક્ષેત્રે જામનગરના ખેલાડીઓને વૈશ્વિક સુવિધાઓ મળે તે માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ માત્ર વર્તમાન જ નહીં, પણ આગામી 25 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી મિશન હેઠળ મળી રહેલા ભંડોળ અને વહીવટી તંત્રની સમયબદ્ધ કામગીરીને કારણે જામનગરની સુરત બદલાઈ રહી છે. આધુનિક માર્ગો, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી સુવિધાઓ સાથે જામનગર હવે 'ગ્લોબલ સિટી' બનવા તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે. રાજ્ય સરકારના આ પ્રયાસોથી જામનગરવાસીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચો---- Bhavnagar : સોની દંપતી હત્યાકાંડ, મિલકત અને દેવાએ પુત્રને બનાવ્યો કસાઈ, પુત્રવધૂએ રાજકોટથી શાર્પ શૂટર્સ બોલાવી કરાવી હત્યા