calendar_todayMay 10, 2026
Jasdan News : જૂના બસ સ્ટેશન પાસે બે જૂથો વચ્ચે જૂથ અથડામણ, લાકડીઓ ઉછળતા મચી અફરાતફરી
જસદણ શહેરના હાર્દ સમાન ગણાતા જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આજે જૂથ અથડામણની ઘટના બની હતી. બસ સ્ટેશન પાસે આવેલી ખોડિયાર હોટલ નજીક કોઈ બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ થઈ હતી, જે બાદમાં હિંસક સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી. આ મારામારીને પગલે બજારમાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
લાકડીઓ વડે હુમલો કરતો વીડિયો વાયરલ
આ વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, શરૂઆતમાં લોકો એકબીજા પર હાથથી હુમલો કરે છે, પરંતુ જોતજોતામાં મામલો વધુ બિચકતા લાકડીઓ ઉછળી હતી. વીડિયોમાં કેટલાક શખ્સો લાકડીઓ વડે એકબીજા પર નિર્દયતાથી હુમલો કરતા નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી
જાહેર માર્ગ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે મારામારી કરનારા શખ્સોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. આ મારામારી કયા કારણોસર થઈ હતી અને તેમાં કોને કેટલી ઈજા પહોંચી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જાહેરમાં શાંતિ ભંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો