android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadh : CGST જૂનાગઢ ડિવિઝનની ટીમના દરોડા, પરશુરામ દયારામ જવેલર્સના શો રૂમ પર GSTનું સર્ચ

calendar_todayJanuary 21, 2026

Junagadh : CGST જૂનાગઢ ડિવિઝનની ટીમના દરોડા, પરશુરામ દયારામ જવેલર્સના શો રૂમ પર GSTનું સર્ચ

ગીર સોમનાથ જિલ્લાના વેપારનું મુખ્ય કેન્દ્ર ગણાતા વેરાવળ શહેરમાં આજે સવારથી જ વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તહેવારો અને લગ્નની સીઝન વચ્ચે જ સેન્ટ્રલ જીએસટી જૂનાગઢ ડિવિઝનની ટીમે શહેરના નામાકિંત સોના ચાંદીના વેપારીઓને ત્યાં ઓચિંતા દરોડા પાડતા સોની બજારમાં સોંપો પડી ગયો છે.

પરશુરામ દયારામ જવેલર્સના શો-રૂમ પર તપાસ

મળતી માહિતી પ્રમાણે CGSTની અલગ-અલગ ટીમોએ શહેરના પ્રતિષ્ઠિત ગણાતા જ્વેલર્સને નિશાન બનાવ્યા છે. જેમાં મુખ્યત્વે પરશુરામ દયારામ જવેલર્સના શો-રૂમ પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, શાહ નગીનદાસ ભગવાનદાસની બે અલગ-અલગ પેઢીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ પેઢીઓ શહેરની જૂની અને જાણીતી પેઢીઓ હોવાથી આ કાર્યવાહીએ વેપારી વર્ગમાં ચર્ચા જગાવી છે.

દરોડા દરમિયાન બારીકાઈથી તપાસ કરાઇ

જૂનાગઢ CGST ડિવિઝનની ટીમો દ્વારા આ દરોડા દરમિયાન બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા જ્વેલરી શો-રૂમમાં રહેલા સોના અને ચાંદીના ફિઝિકલ સ્ટોકની ગણતરી કરવામાં આવી રહી છે અને તેને ચોપડે દર્શાવેલા સ્ટોક સાથે સરખાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, છેલ્લા કેટલાક સમયના બિલો, કાચા-પાકા હિસાબો અને ડિજિટલ ડેટાની પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે લાખો રૂપિયાની કરચોરી અથવા હિસાબી ગેરરીતિ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

જીએસટીના દરોડાથી બજારમાં ફફડાટ

જીએસટી વિભાગની આ આકસ્મિક કાર્યવાહીના સમાચાર વાયુવેગે પ્રસરતા વેરાવળના અન્ય નાના-મોટા સોની વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. કાર્યવાહીના ડરથી કેટલાક વેપારીઓ પોતાની દુકાનોના શટર ટાણીને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. હાલમાં આ તમામ પેઢીઓ પર સર્ચ ઓપરેશન ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ બેહિસાબી વ્યવહારોનો સાચો આંકડો સામે આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, રાયખડના શખ્સને પિસ્તોલ પ્રેમ ભારે પડ્યો