android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Junagadh News: GIDC-2 માં પ્લાસ્ટિકના કારખાનામાં આગ, ફાયર ફાઈટરોએ 12 હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો

calendar_todayMarch 6, 2026

Junagadh News: GIDC-2 માં પ્લાસ્ટિકના કારખાનામાં આગ, ફાયર ફાઈટરોએ 12 હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો

જૂનાગઢ શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા GIDC 2માં આજે એક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરી

આગ લાગવાની જાણ થતા જ જૂનાગઢ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્લાસ્ટિક જ્વલનશીલ હોવાથી આગ વધુ પ્રસરે તેવી ભીતિ હતી, પરંતુ ફાયર ફાયટરોએ સતર્કતા દાખવી કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગ દ્વારા અંદાજે 12 હજાર લીટર પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

મોટું નુકસાન, પણ જાનહાનિ ટળી

ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. કારખાનામાં રહેલો પ્લાસ્ટિકનો કાચો માલ અને મશીનરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જોકે, જે સમયે આગ લાગી ત્યારે કારખાનામાં કામ કરતા શ્રમિકો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે.


આ પણ વાંચો - Junagadh: તોરણીયાના પિતા-પુત્રનું ફિલ્મી ઢબે અપહરણ, રાજપરાના ફાર્મ હાઉસમાં બંધક બનાવી કરી લૂંટ