calendar_todaySeptember 18, 2026
Kadi :સિગારેટ-પાણીના પૈસા માંગતાં નવ શખ્સોનો ધમાલ, દુકાનમાં તોડફોડ કરી રૂ.7,400ની લૂંટનો આક્ષેપ
કડી શહેરમાં ચેહરનગરના નાકે આવેલા મોગલ પાન પાર્લર પર રાત્રિના સમયે હથિયારો સાથે ધસી આવેલા નવ શખ્સોએ આતંક મચાવી દુકાનમાં તોડફોડ કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પાન પાર્લરમાંથી સિગારેટ, પાણીની બોટલો અને મસાલા લીધા બાદ પૈસા માંગતાં શખ્સો ઉશ્કેરાયા હતા અને ધારિયું, તલવાર, છરી, પાઇપ, હથોડા તથા લાકડી જેવા હથિયારો સાથે દુકાનમાં તોડફોડ કરી પાન પાર્લર સંચાલક તથા તેના ભાઈને માર માર્યો હોવાનો ફરીયાદમાં આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત ફરીયાદીના ખિસ્સામાંથી રૂ.7,400 રોકડા કાઢી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે.કડીના ચેહરનગર વિસ્તારમાં રહેતા હિતેન્દ્રસિંહ જીવણસિંહ ઝાલા ચેહરનગરના નાકે મોગલ પાન પાર્લર ચલાવે છે. તા.16 સપ્ટેમ્બરની રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં એક નંબર વગરની બોલેરો તથા વાદળી રંગની નંબર વગરની સ્વિફ્ટ કાર પાન પાર્લર પાસે આવીને ઊભી રહી હતી. બોલેરોમાંથી મેઘરાજસિંહ ઉફ્રે એમ.ટી. ટીકુભા ઝાલા નીચે ઉતર્યા હતા અને પાન પાર્લરમાંથી સિગારેટનું પેકેટ, પાણીની પાંચ બોટલો તથા મસાલાના ચાર નંગ લીધા હતા.જે વસ્તુઓના પૈસા માંગતાં મેઘરાજસિંહ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડતાં તેઓ બોલેરોમાંથી ધારિયું લઈ આવી તેમની સાથે આવેલા અન્ય શખ્સો પણ હથિયારો સાથે દુકાનમાં ધસી એક શખ્સ તલવાર, એક છરી, કેટલાક પાઇપ તથા અન્ય શખ્સો હથોડો અને લાકડી લઈને આવ્યા હતા.આ શખ્સોએ ભેગા મળી હિતેન્દ્રસીહને ગાળો આપી પાન પાર્લરમાં તોડફોડ શરૂ કરી હતી. મેઘરાજસિંહે ધારિયું મારી પાર્લરનો કાચ તોડી નાખ્યો હોવાનો આક્ષેપ છે. જેનો પ્રતિકાર કરતાં કેટલાક શખ્સોએ તેને પકડી રાખ્યો હતો. તે દરમિયાન મેઘરાજસિંહે ફરીયાદીના શર્ટના ઉપરના ખિસ્સામાંથી આશરે રૂ.7,400 રોકડા કાઢી લીધા હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ છે.ત્યારબાદ ટોળાએ પાન પાર્લરમાં રહેલા ફરીઝ, ટેબલ, પંખો, કેબિન સહિતની વસ્તુઓમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં, દુકાનની બહાર પડેલી ફરીયાદીની એક્સેસની હેડલાઇટ તથા અન્ય ભાગોમાં પણ નુકસાન પહોંચાડયું હોવાનો આક્ષેપ છે. બનાવ દરમિયાન હિતેન્દ્રસિંહનો નાંનો ભાઈ દેવરાજસિંહ ત્યાં આવી પહોંચતાં તેની સાથે પણ ગડદાપાટુનો માર માર્યો હતો. જેના પગલે કડી પોલીસ મથકે હથિયાર ધારણકરી હુમલો કરી લૂંટ ચલાવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવા બાબતે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો