android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kadi પોલીસ અને LCBની માનવતાવાદી કામગીરી: ગુમ થયેલી 13 વર્ષની કિશોરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી

calendar_todayMarch 13, 2026

Kadi પોલીસ અને LCBની માનવતાવાદી કામગીરી: ગુમ થયેલી 13 વર્ષની કિશોરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં પોલીસે સક્રિયતા દાખવીને એક પરિવારની ચિંતાનો ગણતરીના કલાકોમાં અંત આણ્યો છે. કડીના કસ્બા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીર દીકરી ઘાંચી ફાતીમા અચાનક ગુમ થઈ જતાં પરિવારજનોમાં ફાળ પડી હતી. દીકરીની આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા, આખરે ગભરાયેલા પરિવારે કડી પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર મામલાની જાણ કરી હતી.

કડી કસ્બા વિસ્તારમાંથી ગુમ થઈ હતી કિશોરી

ઘટનાની ગંભીરતાને સમજીને કડી પોલીસ અને LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) તાત્કાલિક એક્શનમાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસની સતર્કતા અને ચોકસાઈપૂર્વકની તપાસને કારણે ગુમ થયેલી કિશોરીને ગણતરીના કલાકોમાં જ સુરક્ષિત રીતે શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.

કિશોરીને શોધી પરિવારને સોંપવામાં આવી

પોલીસે સગીર દીકરીનો કબજો મેળવીને તેને તેના પરિવારને સુપરત કરી હતી. કાળજાના કટકા જેવી દીકરીને હેમખેમ પરત મેળવતા પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. કડી પોલીસ અને LCBની આ ઝડપી અને પ્રસંસનીય કામગીરી બદલ પરિવારે અને સ્થાનિક લોકોએ પોલીસ તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ જનતાની સુરક્ષા માટે સદાય તત્પર છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો