android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kashmir : બડગામમાં આતંકીઓ સાથે અથડામણ, એક આતંકી ઠાર, AK રાઇફલ સહિત યુદ્ધ સામગ્રી મળી

calendar_todaySeptember 4, 2026

Kashmir : બડગામમાં આતંકીઓ સાથે અથડામણ, એક આતંકી ઠાર, AK રાઇફલ સહિત યુદ્ધ સામગ્રી મળી

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના અશદાર ગલી વિસ્તારમાં સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન દરમિયાન એક આતંકીને ઠાર માર્યો છે. શુક્રવારે મળેલી ગુપ્તચર માહિતીના આધારે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

સુરક્ષા દળોએ શંકાસ્પદ હિલચાલ જોઈ 

સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. જવાનો દ્વારા પડકારવામાં આવતા આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યારબાદ બંને તરફથી ભારે ગોળીબાર સાથે અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણ દરમિયાન એક આતંકી માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે.

AK રાઇફલ સહિત યુદ્ધ સામગ્રી જપ્ત

સુરક્ષા દળોએ ઠાર કરાયેલા આતંકી પાસેથી AK રાઇફલ અને યુદ્ધમાં ઉપયોગી અન્ય સામગ્રી કબજે કરી હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ અને ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા અન્ય આતંકીઓ છુપાયેલા હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિસ્તારને ઘેરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

યૂસુફમર્ગના ઊંચાઈવાળા વિસ્તારમાં પણ કાર્યવાહી

આ પહેલાં બડગામ જિલ્લામાં યૂસુફમર્ગના ઊંચાઈવાળા અને ગીચ જંગલ વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ દરમિયાન આતંકીઓની હિલચાલની માહિતીના આધારે ઘેરાબંધી કરી હતી. ગોળીબાર બાદ વધારાના સુરક્ષા દળોને પણ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા.

અગાઉ કુલગામમાં શંકાસ્પદો ઝડપાયા હતા

આ પહેલાં 26 ઓગસ્ટે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા કુલગામના બૂગામ વિસ્તારમાં પણ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન 5 શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

દારૂગોળા સહિત યુદ્ધમાં ઉપયોગી સામગ્રી મળી 

તપાસ દરમિયાન 4 પિસ્તોલ, 4 પિસ્તોલ મેગેઝિન, 2 હેન્ડગ્રેનેડ અને દારૂગોળા સહિત યુદ્ધમાં ઉપયોગી સામગ્રી મળી હોવાનું સામે આવ્યું હતું. ઝડપાયેલા શંકાસ્પદો અને જપ્ત કરાયેલી સામગ્રીને આગળની તપાસ માટે પોલીસને સોંપવામાં આવ્યા હતા. હાલ બડગામના અશદાર ગલી વિસ્તારમાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. 


આ પણ વાંચો   :    Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ