android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Kerala Assembly Election Result: કેરલમમાં પરિણામ પહેલા જ કોંગ્રેસમાં જશ્નની તૈયારી, સાથી પક્ષોએ CM પસંદ કરવાની સત્તા હાઈકમાન્ડને સોંપી

calendar_todayMay 3, 2026

Kerala Assembly Election Result: કેરલમમાં પરિણામ પહેલા જ કોંગ્રેસમાં જશ્નની તૈયારી, સાથી પક્ષોએ CM પસંદ કરવાની સત્તા હાઈકમાન્ડને સોંપી

કેરલમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પૂર્વે જ કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) માં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેરલમ કોંગ્રેસના પ્રભારી અને AICC મહાસચિવ દીપા દાસમુનશીએ રવિવારે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, જો UDF સત્તામાં આવશે તો મુખ્યમંત્રી પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર કોંગ્રેસ પક્ષ પાસે રહેશે. ગઠબંધનના તમામ સાથી પક્ષોએ આ બાબતે પોતાની સહમતિ આપી દીધી છે.

ગઠબંધનમાં કોઈ વિખવાદ નથી: દીપા દાસમુનશી

પત્રકારો સાથેની વાતચીતમાં દીપા દાસમુનશીએ સ્પષ્ટ કર્યું કે, અમે ગઠબંધનના સાથી પક્ષો સાથે ચર્ચા કરી છે, અને તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે, કોંગ્રેસ જે પણ નિર્ણય લેશે, તેઓ તેની સાથે રહેશે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી મુખ્યમંત્રી પદની ચર્ચાઓને તેમણે ફગાવી દેતા કહ્યું કે, પક્ષમાં કોઈ વિવાદ નથી. પરિણામો આવ્યા બાદ હાઈકમાન્ડ ચૂંટાયેલા ધારાસભ્યો સાથે સલાહ-મશવરો કરીને લોકશાહી ઢબે અંતિમ નિર્ણય લેશે.

રેસમાં આ દિગ્ગજ નેતાઓના નામ

કેરલમમાં મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં ત્રણ મુખ્ય નામોની ચર્ચા તેજ બની છે. જેમાં વી.ડી. સતીશન (વર્તમાન વિરોધ પક્ષના નેતા), રમેશ ચેન્નિથલા (પૂર્વ વિરોધ પક્ષના નેતા) અને કે.સી. વેણુગોપાલ (AICC સંગઠન મહાસચિવ)નો સમાવેશ થાય છે

ઈન્દિરા ભવન ખાતે જશ્નની તૈયારીઓ

સોમવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થવાની છે, પરંતુ તે પહેલા જ કોંગ્રેસે તિરુવનંતપુરમ સ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યાલય 'ઈન્દિરા ભવન' ખાતે ભવ્ય મંડપ બાંધવાનું શરૂ કરી દીધું છે. કાર્યકર્તાઓ અને નેતાઓ માટે જીતની ઉજવણી કરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 9 એપ્રિલે યોજાયેલા મતદાનના પરિણામો હવે નક્કી કરશે કે કેરલમની જનતા 'ઈતિહાસ બદલે છે' કે 'પરંપરા જાળવી રાખે છે'.


આ પણ વાંચો - BJP થોડા મતોથી આગળ હોય તો તરત જ રી-કાઉન્ટિંગ માંગો, દીદીનો TMC કાર્યકર્તાઓને કડક સંદેશ