android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Khambhat : ના 650 વર્ષ જૂના મહાલક્ષ્મી માતાજી મંદિરનો અનોખો મહિમા

calendar_todayOctober 19, 2026

Khambhat : ના 650 વર્ષ જૂના મહાલક્ષ્મી માતાજી મંદિરનો અનોખો મહિમા

ઐતિહાસિક ત્રંબાવટી નગરી ખંભાતની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ એટલે આશરે 650 વર્ષ જૂનું શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર! સદીઓથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર રહેલા આ મંદિરનો ઇતિહાસ જેટલો પ્રાચીન છે, એટલી જ અનોખી તેની સ્થાપનાની ગાથા છે. મંદિરના હાલના પુજારી ભયલુ મહારાજના જણાવ્યા મુજબ, તેમના પરિવારની ચાર પેઢીઓથી માતાજીની સેવા-પૂજાની પરંપરા અવિરત ચાલી રહી છે. મંદિરના ઇતિહાસ અંગે મળતી માહિતી મુજબ, પ્રાચીન સમયમાં અહીં વિશાળ સમુદ્ર હતો અને દરિયાના બેટ જેવી જગ્યાએ ખારવા તથા માછી સમાજના લોકોને સૌપ્રથમ માતાજીની મૂર્તિનાં દર્શન થયાં હતાં. ત્યારબાદ સંવત 1526 માં નાની દેરીની સ્થાપના થઈ અને સંવત 1622 માં ત્રંબાવટી નગરીના વિદ્વાન પંડિત શિવાનંદ સ્વામીએ વિશાળ મંદિરની રચના કરી માતાજીની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ મંદિરની વિશેષતા માત્ર તેના પ્રાચીન ઇતિહાસ પૂરતી સીમિત નથી, પરંતુ અહીં બિરાજમાન માતાજીની અલૌકિક મૂર્તિ પણ ભક્તો માટે આસ્થાનું વિશિષ્ટ કેન્દ્ર છે. માતાજીના ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે, જ્યારે મસ્તક પર શિવલિંગ (માથુલિંગ) તથા સમગ્ર શરીર પર સાત ફેણવાળા શેષનાગનું સ્વરૂપ જોવા મળે છે. મંદિરની આસપાસ દસ મહાવિદ્યાઓનાં સ્વરૂપ પણ દ્રશ્યમાન થાય છે. પંડિત શિવાનંદ સ્વામી દ્વારા માતાજીની આરતીની રચના કરવામાં આવી હોવાનું જણાવાય છે અને આજે પણ મંદિરમાં પૌરાણિક ગરબા ગાવાની પરંપરા જળવાઈ રહી છે. માતાજીના સાનિધ્યમાં ફ્ળ અર્પણ કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે તેવી ભક્તોની અતૂટ શ્રદ્ધા છે. નવ ન્યાતનાં કુળદેવી તરીકે પૂજાતાં મહાલક્ષ્મી માતાજીનું મંદિર ખંભાતની ધાર્મિક ઓળખ અને પેઢી દર પેઢી જળવાયેલી આસ્થાનું પ્રતીક બન્યું છે. માતાજીનો જન્મોત્સવ ભાદરવા વદ સાતમના રોજ રાત્રે 12 વાગ્યે કેસર સ્નાન સાથે ઉજવાય છે, જ્યારે ભાદરવા વદ આઠમના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે ધાર્મિક પરંપરાઓ અને માતાજી પ્રત્યેની શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો